ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ-તેમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈ ગુજરાત હાઈકોર્ટ વધુ કડક વલણ અપનાવી રહી છે. હવે હાઈકોર્ટે ચાઈનીઝ દોરી માટે લોકોને જાગ્રત કરવા માટે અમદાવાદ શહેરની તમામ સ્કૂલોને જાગૃતિ અભિયાન ચલાવવાનું સુચન કર્યું છે.
હાઈકોર્ટના સૂચન બાદ DEO એક્સનમાં
ગુજરાત હાઈકોર્ટે શહેરના મુખ્ય શિક્ષણ અધિકારીને ચાઈનીઝ દોરીને લઈ જાગૃતિ અભિયાન ચલાવવાનું સુચન મળ્યા બાદ ડીઈઓએ તમામ સ્કૂલોના આચાર્યને પરિપત્ર પાઠવ્યો છે. આ પરિપત્ર મુજબ સ્કૂલોના વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.
હાઈકોર્ટનું આકરૂ વલણ
અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ વધી રહ્યું છે. આ ચાઈનીઝ દોરીના કારણે રાહદારીઓ અને વાહનચાલકો સાથે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. આ ચાઈનીઝ દોરી જીવલેણ પણ બની છે, ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. વધુમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે HCએ માહિતી માંગી હતી.
રાજ્ય સરકારે શું જવાબ આપ્યો?
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીને લઈ ઉગ્ર શબ્દોમાં ફટકાર લગાવતા અંતે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું. હાઈકોર્ટે જવાબ આપતા સરકારે જણાવ્યું હતું કે, ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને DGPએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.