ગુજરાત પર ત્રાટકેલા વિનાશકારી બિપોરજોય વાવાઝોડાથી સામાન્ય લોકો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ સૌથી વધુ વિનાશ વેર્યો છે. જો કે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઇ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સરકાર પર આશ લગાવીને બેઠા હતા ત્યારે આજે તેમની આશા ફળીભૂત થઈ છે.
સરકારે કરી આ જાહેરાત
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાથી નુકસાની થતા સહાય માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોર જોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર દ્વારા એક મોટી સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કપડા અને ઘરવખરી નુકશાન માટે સરકાર 7000 રૂપિયા ચુકવશે. જ્યારે સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે 1,20,000 ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય, આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય, સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય, ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાય, તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.
આ પૂર્વે અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવાઈ હતી
અગાઉ બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો હતો, ખાસ વાત એ છે કે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવી હતી.