ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીલગાય, રોઝ, જંગલી સૂવર જેવા જનાવરોના કારણે ગુજરાતના ખેડૂતોને નુકસાન થતું હોય છે આ મામલે ધ્યાન રાખીને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે યોજના બહાર પાડી છે કે હવે નાના ખેડૂતોને પણ ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવી આપવામાં આવશે જેના કારણે જંગલી જનાવર ખેતરમાં ઉભા પાકને નુકસાન નહીં પહોંચાડી શકે.
2 હેક્ટર સુધીના ખેતરમાં અડધા ખર્ચે લગાવે કાંટાળી વાડ
દેશનો ખેડૂત આમ પર વરસાદ અને પાકની સમસ્યા જેવી અનેક મુશ્કેલીનો સામનો કરતો હોય છે એવામાં અમુકવાર જંગલી ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો ખેતરમાં પહોંચી પાકને નુકસાન પહોંચાડીને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ ઉભી કરી દેતા હોય છે. આ મામલે સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 10 હેક્ટરથી વધારે ખેતર હોય તેમને કાંટાળી વાડ કરવા માટે સહાય કરવામાં આવશે. આ યોજનાનો લાભ મોટા ખેડૂતોને તો મળી ગયો પણ નાના ખેડૂતોની સમસ્યા હતી ત્યાંને ત્યાં જ રહી. જેના કારણે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવેથી નાના ખેડૂતોને પણ ખેતર ફરતે કાંટાળી વાડ લગાવવા માટે સહાય કરશે. ભૂંડ, સુવર, નીલગાય, રોઝ જેવા જનાવરો રાત્રે ખેતરમાં નુકસાન પહોંચાડતા હોય છે માટે સરકારે જાહેરાત કરી છે કે હવેથી 2 હેક્ટરથી વધુ જમીન હોય તેમાં સરકાર કાંટાળી વાડ લગાવવામાં 50 ટકાની સહાય કરશે. પહેલા એવું થતું હતું કે ખેડૂતોને પોતાના ઘરના રૂપિયા ખર્ચીને જનાવરથી પાકને બચાવવા માટે કાંટાળી જાળ ખેતર ફરતે નખાવવી પડતી હતી. આના કારણે ખેડૂતો પર આર્થિક બોજો આવતો હતો આથી રાજ્ય સરકારે જાહેરાત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે.
તમે પણ સરકારની યોજનાનો લાભ લો અને પાકને જંગલી જનાવરથી બચાવો
ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં જમીનની સીમા ઘટાડવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સરકારની આ જાહેરાતના કારણે ગુજરાતમાં લાખો ટન બગડતો પાક બચી શકશે અને ખેડૂતોને એમની મહેનતનું મહેનતાણું મળશે. તો જો તમારે પણ 2 હેક્ટર જેટલું ખેતર હોય અને જંગલી જનાવરો ખેતરમાં તમારા પાકને નુકસાન પહોંચાડે છે તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લો અને તમારા ખેતરમાં અડધે ખર્ચે કાંટાળી વાડ લગાવી જંગલી જનાવરથી તમારા પાકને બચાવો.