ગુજરાત સરકારે જંત્રીના દર બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે આ નિર્ણય અંગે જણાવ્યું કે, વર્ષ 2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. ત્યારે 5 ટકા જંત્રી લેવામાં આવતી હતી. આમ તો જંત્રીના ભાવમાં દર વર્ષે વધારો થવો જોઈએ, પરંતુ કેટલાક કારણોથી આ ભાવ વધારો અમલી બન્યો નહોતો. જંત્રીના નવા ભાવ આવતીકાલે (સોમવાર)થી અમલી બનશે.
બમણી જંત્રીથી બિલ્ડર લોબી નારાજ
રાજ્ય સરકારે અચાનક જ જંત્રી બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર કરતા બિલ્ડરોને ફટકો સહન કરવો પડ્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી જંત્રીના નવા દરો લાગુ થશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલ્ડર એસોસિએશનને વાંધા ઉઠાવ્યા છે. એસોસિએશનના કહેવા મુજબ સરકારના એકાએક નિર્ણયને કારણે એન્ડ યુઝર અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થશે. ક્રેડાઈ, ગાહેડ, બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયના અમલીકરણમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તેવી સોમવારના રોજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ એસોસિએશન પ્રમુખે જણાવ્યું છે. જંત્રી બમણી થતાં પ્રોજેક્ટ કોસ્ટ વધી જશે અને ભાવ વધારવા પડશે તેમજ આ બોજ પ્રજાને પડશે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે.
જંત્રી શું છે?
ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે.