ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમને લઈ મોટી ઘોષણા કરી છે. સરકારે મકાનધારકોના હિતમાં નિર્ણય કર્યો છે. લોકોને રાહત મળે તેવો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રાન્સફર ફી વન ટાઈમ ભરવાની રહેશે ઉપરાંત દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઈમ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટ અંગે પણ મોટો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી જાહેરાત
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં મૂકવામાં આવી હતી. ગુજરાત સહકારી મંડળીઓના સુધારા વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હાઉસિંગ સોસાયટીમાં પ્રમુખ, સેક્રેટરી કે કમિટી મનમાનીથી ટ્રાન્સફર ફી નિયત કરી શકશે નહીં. હવે 10ની જગ્યાએ આઠ વ્યક્તિની સહીથી હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે. જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે. એટલે કે, 25 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.10 હજાર, LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 30 હજાર પ્રમાણે લેવાશે.