ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી ભાજપ સરકાર જનતાને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો તથા વર્ષ દરમિયાન 2 ગેસ સિલિન્ડર નિશુલ્ક આપવાની જાહેરાત કરી હતી. આજે રાજ્ય સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત કરી શકે છે.
આજે રાજ્ય સરકારની છેલ્લી કેબિનેટ બેઠક
રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આજે છેલ્લી કેબિનેટ બેઠક મળશે. ગુજરાતમાં દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાના કારણે મોટા નિર્ણયો લઈ શકાય નહીં, એવામાં આજની કેબિનેટ બેઠકમાં સરકાર કેટલાક મહત્વના પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરી શકે છે.
રાજ્ય સરકાર કેબિનેટમાં શું નિર્ણયો લેશે?
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે. આજની બેઠકમાં અતિવૃષ્ટિથી પાક નુકસાન સામે ખેડૂતોને સહાય પેકેજ સહિત, સરકાર ભરતીથી શરૂ કરીને નાગરિકોને સ્પર્શતા નિર્ણયો જાહેર થાય તેવી શક્યતા છે. સામાન્ય વહીવટી વિભાગ, GEDA, ઈ-સરકાર, આદિજાતી, અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો, વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, તેમજ અલગ અલગ યોજના અંતર્ગત લાભાર્થીઓ અંગે પ્રેજન્ટેશન કરવામાં આવે તેવી સંભાવના છે.