થોડા વર્ષો પહેલા જ વિશ્વ કોરોનાની મહામારીમાંથી બહાર નીકળ્યું છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. ત્યારે ચીનમાં વધુ એક રહસ્યમય બિમારી પ્રસરી રહી છે. અનેક શાળાઓ ચીનમાં બંધ કરવામાં આવી છે ઉપરાંત અનેક હોસ્પિટલો પણ ફૂલ છે. ત્યારે ચીનમાં વધતા કેસને લઈ WHOએ એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર થયા બાદ ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. આ બિમારી ગુજરાતમાં દસ્તક આપે તે પહેલા આ બિમારીથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓને તેમજ હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગે જાહેર કરી ગાઈડલાઈન્સ!
કોરોનાના સમય દરમિયાન અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે ચાઈનાથી એક એવા સમાચાર આવ્યા જેણે વિશ્વભરની ચિંતા વધારી દીધી. ચાઈનામાં વધુ એક રોગચાળો પ્રસરી રહ્યો છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એલર્ટ જાહેર કરી દીધું છે. ચીનમાં વધી રહેલા બનાવોને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના જેવી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તો માર્ગદર્શિકા જાહેર કરી છે પરંતુ ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે.
હોસ્પિટલમાં કરાઈ રહી છે યોગ્ય વ્યવસ્થા
રાજ્ય સરકારે હોસ્પિટલ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. હોસ્પિટલોને સજ્જ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જરૂરી બેડ, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આદેશ મળ્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પીપીઈ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. અમદાવાદ ઉપરાંત સુરત તેમજ વડોદરા સિવિલ હોસ્પિટલ પણ એક્ટિવ દેખાઈ રહી છે.