કોંગ્રેસે થોડા દિવસો પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે આજે અથવા આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામને લઈ મંથન કરવામાં આવી ગયું છે માત્ર જાહેરાત કરવાની બાકી છે અને એ જાહેરાત થોડા કલાકોની અંદર થઈ શકે છે તેવી માહિતી મળી છે. બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ શકે છે. 24 બેઠકોમાંથી આ યાદીમાં 8થી 10 ઉમેદવાર હોઈ શકે છે. ગુજરાતની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોને જ કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કરી શકે છે.
ગુજરાતના 8કે 10 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત!
ગયા શનિવારે જ્યારે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી બધા કોંગ્રેસના યાદીની રાહ જોઈ રહ્યા હતા. ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી. ઉમેદવારોની બીજી યાદી કોંગ્રેસ આજે અથવા તો આવતી કાલ સુધીમાં જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. ગુજરાતની અનેક બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત આ યાદીમાં થઈ શકે છે તેવી માહિતી છે. ગુજરાતની 8થી 10 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી શકે છે.
બનાસકાંઠામાં જોવા મળી શકે છે મહિલા Vs મહિલાનો જંગ!
એક તરફ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની બેઠકો માટે નામની જાહેરાત થઈ શકે છે તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હોય તેવું લાગે છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. મહત્વનું છે કે જો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં બનાસકાંઠાથી ઉતારે તો ત્યાં મહિલા Vs મહિલાનો જંગ જોવા મળી શકે છે. ભાજપે ત્યાં માટે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.
ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરતા કહ્યું કે...
સોશિયલ મીડિયા પર એક વીડિયો ગેનીબેન ઠાકોરનો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને અપીલ કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગેનીબેન લોકોને કહી રહ્યા છે કે “આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઇને આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા લઇને આવજો, રિક્ષા હોય તો તે લઇને આવજો, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. બધા બહેનોને પણ લાવજો. આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.” તે ઉપરાંત તેમણે કહ્યું કે “મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારા આ બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો.” ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવે છે કે કોઈ બીજાને..
24 બેઠકો માટે કોંગ્રેસે એક ઉમેદવારના નામની નથી જાહેરાત!
મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે બે બેઠક પરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે તો ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. ગુજરાત માટે કોંગ્રેસે 24 બેઠકોમાંથી એક પણ બેઠક માટે ઉમેદવાર નથી ઘોષિત કર્યા.