ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નિકાસ બંધની સીધી અસર ખેડૂતોની આવક પર પડી છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. નિકાસ બંધીના નિર્ણય પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક જગ્યાઓથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીનો નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધને લઈ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા આંબલિયાએ કહ્યું કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે.
સરકારે ડુંગળીના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ
ગરીબોની કસ્તુરી ડુંગળીને માનવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને અનેક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે. નિકાસને ધ્યાનમાં રાખી, સારી કમાણી થઈ શકે તેવી આશા સાથે ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધારે કર્યું છે. એક તરફ ખેડૂતોએ સારી કમાણીની આશા રાખી પરંતુ દર વખતની જેમ ખેડૂતોના પડ્યા પર પાટું પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું. નિકાસ પર પ્રતિબંધ મૂકાવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. એક સાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક યાર્ડોમાં હરાજી બંધ કરવામાં આવી છે.
ખેડૂતોએ રસ્તા પર કર્યો ચક્કાજામ
નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટી જાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતો ઉતરી આવ્યા છે. ખેડૂતોએ અનેક હાઈવે પર ચક્કાજામ કર્યું છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિકાસના વિરોધમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢ નેશનલ હાઈવે પર પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જામનગરથી પણ કંઈક આવા જ સમાચાર, આવા જ દ્રશ્યો સામે આવ્યા. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે મોટા પ્રમાણમાં ભાવમાં ઘટાડો થયો છે.
પાલભાઈ આંબલિયાએ નિકાસ બંધી પર આપી પ્રતિક્રિયા
એક તરફ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી. આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.
ખેડૂતોની હાલત પ્રતિદિન બની રહી છે કફોડી!
ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. ખેડૂતોને આ નિર્ણયને કારણે રડવાનો વારો આવ્યો છે. નિકાસ પર પ્રતિબંધ લગાવવાને કારણે ડુંગળીના ભાવ સાવ નીચે આવી ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. મહત્વનું છે કે વાતાવરણમાં પણ જો કોઈ ફેરફાર આવે છે તો તેની સીધી અસર ખેડૂતોની આવક પર પડતી હોય છે. વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે.