ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેમ-તેમ ભાજપનો આંતરકલહ સપાટી પર આવી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં જોવા મળી રહેલા આંતરિક જૂથવાદથી અગ્રણી નેતાઓ પણ ચિંતિત છે. બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં રાજકોટની પૂર્વ બેઠક ને લઈ ખેંચતાણ જોવા મળી હતી. ચૂંટણી પહેલા આ જૂથવાદ ઠારવા ભાજપના દિગ્ગજ નેતાઓ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમણે હોદ્દેદારો, આગેવાને અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી.
મંત્રી અરવિંદ રૈયાણીનો સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ કર્યો વિરોધ
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણી સામેનો અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિરોધ કરાયો હતો. પાર્ટીના સ્થાનિક નેતાઓ અશ્વિન મોલીયા, મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણીએ રાજકોટ પૂર્વ વિસ્તારમાં વિકાસ ન થયો હોવાનો રૈયાણી પર આરોપ લગાવ્યો હતો. મુકેશ રાદડીયાએ કહ્યું કે આ બેઠકમાં અમારે પક્ષ પરિવર્તન ઈચ્છા નથી પરંતુ વ્યક્તિ પરિવર્તનની ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના વધતા જૂથવાદ, અસંતોષ અને આંતરકલહને રોકવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ સંતોષ રાજકોટ ખાતે દોડી આવ્યા હતા.
રાજકોટ પૂર્વની સીટ પર ભાજપમાંથી કોણ છે મેદાનમાં?
રાજકોટની પૂર્વ બેઠકના દાવેદારોનું લીસ્ટ બહું લાબું છે. અરવિંદ રૈયાણી સામે અનેક લોકોએ તેમની દાવેદારી નોંધાવી છે. જેમ કે રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાનો સમાવેશ થાય છે.