ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર વિરોધી ધરણા-પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી છે. છેલ્લા 27 વર્ષથી શાસન કરતા ભાજપની નેતૃત્વ વિરૂધ્ધ લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર આ 'એન્ટી ઈન્કમ્બન્સી' ખાળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે જો કે હજુ સુધી જોઈએ તેવી સફળતા મળી નથી. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ હવે મેદાનમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બે દિવસના તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી રેલીને સંબોધી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
અમિત શાહની આજે કોર કમિટીના સભ્યો સાથે બેઠક
અમિત શાહ કોઈ પણ રીતે ભાજપનો ગઢ બચાવવા કૃતસંકલ્પ છે. ગુજરાતમાં ભાાજપનું શાસન ટકી રહે તે માટે આજે અમિત શાહ ચાર બેઠકો કરશે. આ બેઠકોની તૈયારીને લઈ ભાજપ કાર્યાલયમાં ધમધમાટ જોવા મળા રહ્યો છે. અમિત શાહ પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ સાથે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ, ભાજપની કોર કમિટીના સભ્ય સાથે પણ તેમજ વ્યવસ્થાપક ટીમ સાથે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
શા માટે ભાજપ માટે ગુજરાતની ચૂંટણી મહત્વની?
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થશે. રાજ્યમાં આપને મધ્યમ વર્ગનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હવે આ જ મધ્યમ વર્ગ ભાજપની પણ કોર વોટ બેંક છે. જો કે અસહ્ય મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, તથા રાજ્યમાં વધી રહેલી દારૂ અને ડ્ર્ગ્સના વેચાણથી મધ્યમ વર્ગ ભાજપથી વિમુખ થઈ રહ્યો છે. તો બીજી બાજુ આપના નેતા કેજરીવાલે રાજ્યના લોકો માટે વિવિધ ગેરન્ટી યોજનાઓની જાહેરાત કરી છે. આ કારણે ભાજપના ટોચનું નેતૃત્વ ખુબ જ ચિંતિત છે. જો ભાજપ ગુજરાતમાં ચૂંટણી હારી જાય તો તેની સીધી વિપરીત અસર 2024ની લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. આ કારણે ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતી સર્જાઈ છે. ભાજપની ટોચની નેતાગીરી પણ તમામ દમદાર તૈયારીઓ અને રાજકીય સમીકરણોના સોગઠા સાથે મેદાનમાં ઉતરશે.