ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ સામાજીક આગેવાનો અને ધાર્મિક સંતો, મહંતોને પોતાના પડખે લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ સામાજીક આગેવાનો અને ધર્મગુરૂનો મતદારો પર સારો પ્રભાવ હોવાથી રાજકીય પક્ષો ચૂંટણીમાં તેનો ફાયદો લેવા માંગે છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
નરેશ પટેલે PM મોદી સાથે શા માટે મુલાકાત કરી?
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત દરમિયાન કોઈ રાજકીય ચર્ચા ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નરેશ પટેલે પીએમ મોદીને ખોડલધામ મંદિર પર વડાપ્રધાનને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત કરી હોવાનો દાવો રમેશ ટીલાળાએ કર્યો છે. જો કે, વિધાનસભાની ચૂંટણીના સમયે નરેશ પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.
પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે ઘણા સમય પહેલા રાજકારણમાં એક્ટિવ થવાના એંધાણ આપ્યા હતા. જો કે બાદમાં કોંગ્રેસ સાથે વાત આગળ વધી ન હોવાની બાબત સામે આવી હતી.