પાટીદાર અનામત આંદોલનથી લોકપ્રિય બનેલા હાર્દિક પટેલ કઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તે રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાની વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલે વિરમગામ બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
હાર્દિક પટેલ વતી સમર્થકોએ નોંધાવી દાવેદારી
વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના નિરિક્ષકોએ આજે વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં અનેક સ્થાનિક નેતાઓએ તેમની દાવેદારી રજૂ કરી હતી. જો કે સૌથી વધુ ધ્યાન તો હાર્દિક પટેલે આકર્ષ્યું હતું, જો કે દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ આવ્યા ન હતા પણ તેમના સમર્થકોએ દાવેદારી નોંધાવી હતી.
અન્ય દાવેદારો પણ છે મેદાનમાં
વિરમગામ બેઠક માટે ભાજપમાં હાર્દિક પટેલ મુખ્ય દાવેદાર છે. ભાજપ પણ હાર્દિક પટેલને જ ટિકિટ આપશે કારણ કે તે સ્થાનિક ઉમેદવાર અને અગ્રણી પાટીદાર નેતા છે. જો કે તેમ છતાં પણ અન્ય ટિકિટવાંચ્છુંઓ પણ મેદાનમાં છે. જેમ કે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે પણ ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ દિવ્યા પટેલે પણ દાવેદારી નોંધાવી છે. જો કે સૌથી રસપ્રદ બાબત એ છે કે વિરમગામ સીટ હાલ કોંગ્રસના કબજામાં છે. કોંગ્રેસના નેતા લાખાભાઈ ભરવાડ આ બેઠક પરથી વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાજપ નેતા તેજશ્રીબેન પટેલને હરાવ્યા હતા.