ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂંર્ણ થયા બાદ સોમવારે સાંજે એક્ઝિટ પોલ આવ્યા હતા. આ તમામ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપની સરકાર આવી રહી છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશનું નિવેદન આવ્યું છે. તેમણે એક્ઝિટ પોલને પાયાવિહોણા ગણાવ્યા હતા.
એક્ઝિટ પોલ અંગે જયરામ રમેશે શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બહાર આવેલા એક્ઝિટ પોલને નકારતા કહ્યું કે ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતી શકશે નહીં અને હું તેમ પણ નથી કહેતો કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. પરંતું હું જોઈ રહ્યો છું કે આપણા લોકતાંત્રિક સંસ્થાઓને નિષ્ક્રિય કરવામાં આવી રહી છે અને ગુજરાતના લોકોની ચિંતાઓની અવગણના કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ અંગે વધુમાં તેમણે કહ્યું કે "હવે એક્ઝિટ પોલનો એક્ઝિટ થવાનો સમય આવી ગયો છે. એક્ઝિટ પોલ પર આધારીત સવાલ અયોગ્ય છે. એક્ઝિટ પોલની પોલ ખોલતા તેમણે કટાક્ષમાં કહ્યું કે અમને ખબર છે કે આ પ્રકારના એક્ઝિટ પોલ કોણ કરાવે છે? હું એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી, મને ખબર છે કે એક્ઝિટ પોલ કોના પ્રભાવથી અને કોણ કરાવે છે?"