ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કર્યા છે, જો કે કેટલીક સીટો એવી છે જ્યાં ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. જેમ કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી વિરમગામ અને ધંધુકા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બંને બેઠકોને લઈ કોંગ્રેસમાં અસમંજસની સ્થિતી છે.
યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ માંગી ટિકિટ
ધંધુકા અને વિરમગામ સીટને લઈ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મુંઝવણ વધારી છે. હરપાલસિંહ ધંધુકા બેઠકથી ચૂંટણી લડવા જીદ કરી રહ્યા છે, જયારે પ્રદેશના નેતાઓએ ધંધુકા બેઠકની જીદ છોડવાનું કહેતા હરપાલસિંહે વિરમગામ બેઠક માંગી હતી. વિરમગામ બેઠકની માંગણી થતા પ્રદેશના નેતાઓમાં ખેંચતાણ વધી છે.
આ બંને સીટને લઈ રાજકારણ ગરમાયું
હરપાલસિંહ ચુડાસમાએ તેમની દાવેદારી નોંધાવી છે ત્યારે તે જાણવું પણ રસપ્રદ બની રહેશે હાલ વિરમગામ અને ધંધુકા બેઠક પર શું સ્થિતી છે. વર્તમાનમાં રાજેશ ગોહિલ ધંધુકાના ધારાસભ્ય છે.જયારે વિરમગામ બેઠક પર લાખા ભરવાડ વર્તમાન ધારાસભ્ય છે.જો વિરમગામ બેઠક હરપાલસિંહ ચુડાસમાને આપવામાં આવે તો ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ સામે તેમનો સીધો મુકાબલો થશે.