ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન પણ તેજ બનાવી દીધુ છે. હવે સમાન વિચાસરણી ધરાવતી પાર્ટીઓ ગઠબંધન કરીને ચૂંટણી જીતવાની વ્યૂરચનાઓ ઘડી રહી છે. જેમ કે જાણીતા આદિવાસી નેતા છોટુ વસાવાની પાર્ટી ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
ગુજરાતમાં BTP-JDU સાથે મળીને ચૂંટણી લડશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવાની પાર્ટી BTPએ અને JDU સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં હવે અરવિંદ કેજરીવાલ AAP બાદ ગુજરાતમાં નીતીશકુમારની પાર્ટી JDU પણ એન્ટ્રી થઈ છે. BTPના કાર્યાલયમાં છોટુભાઈ વસાવાની હાજરીમાં BTP પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. JDU અને BTP ભેગા થઈને ચૂંટણી લડશે એવો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે JDUની મદદથી અમે ચૂંટણી લડીશું અને ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ચૂંટણી પ્રચાર કરવા આવશે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું. છોટુભાઈ વસાવાએ કહ્યું કે જનતાદળ અમારો જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક થઈ છે. બંને પક્ષો સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
2017માં BTPએ બે સીટ જીતી હતી
વર્ષ 2017માં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં BTP ને બે સીટ મળી હતી. જેમાં ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.
ગઈકાલે BTPના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)એ ગઈ કાલે રવિવારે જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી હતી. BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.