ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય છે. જો કે તેમ છતાં પણ ગુજરાતનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 વર્ષથી ભાજપની સ્થિર સરકાર છે તેમ છતાં પણ દેવું જે રીતે વધ્યું છે તે સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારે આજે ગુજરાત વિધાનસભામાં દેવા અંગે જાણકારી આપી હતી.
ઈમરાન ખેડાવાલાએ કર્યો સવાલ
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજ્યના જાહેર દેવા અંગે વિધાનસભામાં સવાલ કર્યો હતો. તેમણે પેટા સવાલ પુછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં સરકારે દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે કેટલી રકમ ચૂંકવી? તથા દરેક વર્ષે દેવાની રકમ કોની પાસેથી કેટલા વર્ષ માટે લેવામાં આવેલ છે?, તે અંગે સવાલ કર્યો હતો.
ચોંકાવનારો આંકડો
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેર દેવા અંગે વિધાનસભામાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2021-22ના અંતે રાજ્યનું જાહેર દેવું 3,20,812 કરોડ રૂપિયા જેટલું છે. રાજ્ય સરકારે જણાવ્યું કે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ પેટે 17,920 કરોડ મુદ્દલ પેટે ચુકવ્યા છે. જ્યારે વર્ષ 2021-22માં 23,063 કરોડ વ્યાજ પેટે અને 24, 454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવ્યા છે.


રાજ્ય સરકારે વિવિધ નાણાકિય સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, N.S.S.F તથા માર્કેટમાંથી પણ મોટી લોન ઉઠાવી છે. સરકારે આ લોન લઘુત્તમ 2.75 ટકાથી માંડીને મહત્તમ 13 ટકા સુધી લોન મેળવી છે. આ લોન ચૂકવવાનો સમયગાળો લઘુત્તમ 2 વર્ષથી મહત્તમ 50 વર્ષ સુધીનો છે. સરકારે કેટલી મેળવી તે અંગેની વિગત નીચે મુજબ છે.

