આપણે ત્યાં સૂર્યનારાયણને ઉર્જાના સ્તોત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં સૂર્યનમસ્કારને મહત્વનો યોગાસન માનવામાં આવે છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જે પ્રતિદિન સૂર્યનમસ્કાર કરતા હશે. ત્યારે ગુજરાતના વિવિધ સ્થળો પર ગુજરાત રાજય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓના વિભાગ દ્વારા રાજયવ્યાપી સુર્યનમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, સામૂહિક સૂર્ય નમસ્કાર કરીને ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે.
મહેસાણા ખાતે ઉપસ્થિત હતા મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી
આજથી 2024નો પ્રારંભ થઈ ગયો છે. વર્ષના પ્રથમ દિવસે રાજ્યભરમાં સૂર્યનમસ્કાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળો પર આનું આયોજન કરવામાં આવ્યું. મોઢેરાના સૂર્યમંદિરમાં આ પ્રસંગને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અધિકારીઓ મહેસાણામાં આવેલા સૂર્યમંદિર ખાતે આયોજીત સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 2500 જેટલા લોકોએ સામૂહિક સૂર્યનમસ્કાર વર્ષના પ્રથમ દિવસે કર્યા હતા. 108 સ્થળો પર સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઈકોનિક સ્થળો પર કરાયું સૂર્યનમસ્કારનું આયોજન
રાજ્યના આઈકોનિક સ્થળો પર સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના 108 આઇકોનીક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમની નોંધ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં લેવાઈ છે. મહેસાણા ખાતે મુખ્યમંત્રી તેમજ હર્ષ સંઘવી હાજર હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. હર્ષ સંઘવીએ કહ્યું કે આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના 18 હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી હતી.