ગુજરાત કોંગ્રેસની રવિવારે યોજાયેલી કારોબારી બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ગુજરાત સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરી છે. જ્યારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે પસાર
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં 125 બેઠકના વિજય સંકલ્પ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસની ‘પ્રદેશ કારોબારી’ની વિશેષ બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પ્રદેશ કારોબારીમાં લેવાયેલા નિર્ણય – ઠરાવો બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે થયો હતો.
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ પ્રદેશ કારોબારીમાં મુક્યો હતો, જે પ્રસ્તાવને સમર્થન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા અને સિધ્ધાર્થ પટેલે કર્યું હતું. વિસ્તૃત પ્રદેશ કારોબારીની બેઠકમાં હાથ ઉચો કરીને ઠરાવને અનુમોદન આપ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિમાયેલ સંગઠનની ચૂંટણીના પી.આર.ઓ. શોભા ઓઝા, શાકીર સદાનીની ઉપસ્થિતીમાં સર્વાનુમત્તે પસાર થયેલ ઠરાવ સુપ્રત કરાયો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને ભારતના ભવિષ્ય અને યુવાનોના અવાજ એવા રાહુલ ગાંધીને બનાવવાની માંગ કરાઈ હતી. જેને કારોબારીના તમામ ઉપસ્થિત ડેલીગેટોએ તાળીઓના ગડગડાટથી અનુમોદન આપ્યું હતું.