જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થયું ત્યારથી ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ભાજપમાં ઉમેદવારને લઈ સસ્પેન્સ હોય છે. ભાજપ કોને ટિકીટ આપશે તે સરપ્રાઈઝ હોય છે પરંતુ આ વખતે કંઈ અલગ થયું. ભાજપે ઘણા સમય પહેલા ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી પરંતુ કોંગ્રેસે હજી સુધી ચાર બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ત્યારે આજે ગમે ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની ઘોષણા કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. બે સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
કોંગ્રેસ ચાર બેઠકો માટે ઉમેદવાર કરી શકે છે જાહેર
ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વિરોધ થઈ રહ્યો છે અનેક બેઠકો પર. ભાજપના કાર્યકર્તાઓ જાણે ઉમેદવારથી નારાજ હોય તેવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે. બે બેઠકો પર તો ભાજપે ઉમેદવાર બદલ્યા. પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ આજે બાકી રહેલી ચાર લોકસભા બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.
પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ જાહેર કરાશે ઉમેદવાર
રાજકોટ, અમદાવાદ પૂર્વ, નવસારી અને મહેસાણા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત આજે કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. ના માત્ર ચાર લોકસભા બેઠક પર પરંતુ પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે. એવી માહિતી સામે આવી છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવશે... ત્યારે કોંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. મહત્વનું છે કે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે.