અયોધ્યામાં રામ મંદિરને લઈ પૂર્ણ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ હાજર થશે કે નહીં તે અંગે અસમંજસ ચાલી રહી હતી પરંતુ ગઈકાલે કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં સામેલ નહીં થાય. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવી છે જે બાદ કોંગ્રેસમાં જ આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણે આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડના નિર્ણયની ટીકા કરી!
22 જાન્યુઆરીએ અયોધ્યમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન રામના ભક્તો માટે આ અનેરી ક્ષણ હશે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે મળેલા આમંત્રણને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ. અનેક રાજનેતાઓને આ કાર્યક્રમમાં સામેલ થવા આમંત્રણ મળ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણઆ કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રણ મળ્યું છે. પરંતુ કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નહીં જાય. તે બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં કોંગ્રેસ દ્વારા લેવાયેલા નિર્ણય અંગે નારાજગી દર્શાવે છે. અર્જુન મોઢવાડિયા, અંબરીષ ડેર સહિતના નેતાઓએ આ નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કયા નેતાએ શું પ્રતિક્રિયા આપી?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અર્જુન મોઢવાડિયાએ લખ્યું કે ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઇએ. તો પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે આવું નિવેદન મારા જેવા ગુજરાત કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓને નિરાશા આપનારૂં છે. તે સિવાય હેંમાગ રાવલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યં હતું કે રામ મંદિર નિર્માણની ગૌરવપ્રદ ક્ષણ સાક્ષી બનવાનું આમંત્રણ મને મળ્યું હોય તો હું અવશ્ય ગયો હોત પરંતુ હું દર્શન માટે જઈશ.
શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે...
મહત્વનું છે કે આ નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસના નિવેદનને જોયા કે સમજ્યા વગર કેટલાક જાણી જોઈને જૂઠ્ઠાણું ચલાવે છે. રાજકીય ફાયદા માટે ભાજપે આપેલા કાર્યક્રમનો હિસ્સો ન બની શકાય. મહત્વનું છે કે ગઈકાલે જયરામ રમેશ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે અયોધ્યા નહીં જાય.