પાંચ રાજ્યો નાટે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. પાંચ રાજ્યોમાંથી કોંગ્રેસે એક જ રાજ્યમાં જીત હાંસલ કરી. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ માત્ર અમુક સીટો પર સમેટાઈ ગઈ હતી. તાજેતરમાં થયેલી ચૂંટણી બાદ કોંગ્રેસ જાણે એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું લાગે છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી હોય તેમ પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. ઉપરાંત આવનાર સમયમાં કોંગ્રેસ પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી શકે છે તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે.
10 જિલ્લામાં કરાઈ નવા જિલ્લા પ્રમુખની નિમણૂક
આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારી શરૂ કરવામાં આવી ગઈ હોય તેવું લાગે છે. ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ જેમાં માત્ર તેલંગાણામાં કોંગ્રેસ જીત હાંસલ કરી શકી. બાકી ચાર રાજ્યોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના સંગઠન એક્ટિવ મોડમાં આવી ગયું છે. ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.
કોને ક્યાંની જવાબદારી સોંપાઈ?
તે ઉપરાંત અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દૂધાત અને જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરાની પસંદગી કરવામાં આવી છે. ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, ચેતનસિંહ પરમારને પંચમહાલ શહેર પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય પ્રદેશ ચૂંટણી સમિતીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.