ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. તમામ રાજકિય પક્ષો ચુંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટી યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ખુબ જ સાવધાની રાખી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોએ 12મી સપ્ટેમ્બર સુધીમાં પોતાનો બાયોડેટા આપવાનો છે અને 15મી સુધીમાં આ બાયોડેટાને પ્રદેશ કાર્યાલય સામે મૂકાશે.
કોંગ્રેસને પસંદગી પ્રક્રિયા માટે મળ્યા 130 સૂચનો
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમને 130 સૂચનો મળ્યા છે. ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ટોળા સાથે દાવેદારી કરનારા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય. કોંગ્રેસ કમિટીની બેઠક બાદ આ અંગે સર્વસંમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ક્રિનિંગ કમિટી કરશે ઉમેદવારોની પસંદગી
જગદીશ ઠાકોરે કહ્યું કે પાર્ટીની ટિકિટ મેળવવા માંગતા 12 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારોએ પોતાનો બાયોડેટા 15 તારીખ સુધી જિલ્લા કોંગ્રેસ કમિટીને પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાનો રહેશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બરે ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠકનું આયોજન થશે. કોંગ્રેસની દરેક પેનલ સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.
વફાદાર ધારાસભ્યોની ટિકિટ પાક્કી
ભાજપની લાલચમાં આવ્યા વગર કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેલા કર્મઠ ધારાસભ્યોને ચોક્કસ ટિકિટ આપવામાં આવશે. આ વફાદાર ધારાસભ્યોની ટિકિટ કાપવામાં નહીં આવે. આ અંગે કોંગ્રસના અગ્રણી નેતા સુખરામ રાઠવા પણ અગાઉ નિવેદન આપી ચુક્યાં છે. હાલના ધારાસભ્યોને હટાવવા અંગેની કોઇ જ વિચારણા નથી.