ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્ઞાનસહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. ફરી એક વખત શિક્ષકોને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગરીબ મધ્યમ વર્ગના બાળકને યોગ્ય શિક્ષણ મળે, ભણી ગણી આગળ વધે તે માટે સરકારી શાળાઓમાં શિક્ષકો વધવા જોઈએ અહીંયા તો ઉલટી ગંગા ચાલી રહી છે. ખાલી જગ્યાઓ પર ભરતી જ કરવામાં નથી આવતી. અમુક જે ભરતી છે તેમાં શોષણ એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ મામલે ટ્વિટ કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા!
ગુજરાતમાં એમ પણ શિક્ષકોની ઘટ છે તેમ છતાં ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા તો કરવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ તેમજ આપ દ્વારા પણ માગ કરવામાં આવી રહી છે. આપે ઉમેદવારોના સમર્થનમાં ઉલટી દાંડી યાત્રાનું આયોજન પણ કર્યું હતું. ત્યારે ફરી એક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. પેપર કટિંગ સાથે તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે સામાન્ય પરિસ્થિતિમાં એવું હોય જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સરકારી મહેકમમાં વધારો થવો જોઈએ. સરકારી સંસ્થાઓ વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા મહેકમ વધવું જોઈએ. અહીંયા ગુજરાતમાં તો સાવ ઉલટું જ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા.
અનેક ગામડાઓમાં નથી પહોંચ્યો વિકાસ
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક એવા ઉદાહરણો સામે છે જેમાં સરકારી શાળાની પરિસ્થિતિ કેવી છે તેની જાણ થાય છે. મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે, મોટા મોટા શહેરોમાં વિકાસ થાય પણ છે પરંતુ વિકસીત ગુજરાતમાં પણ અનેક એવા ગામડાઓ છે જ્યાના લોકો હજી પણ વિકાસ માટે ઝંખે છે. પ્રાથમિક સુવિધાઓ માટે પણ તેમને વલખા મારવા પડે છે.