થોડા સમય પહેલા 25 રુપિયા કિલોના ભાવે વેચાતા ટામેટા આજે 150 રુપિયાથી વધારે ભાવે વેચાઈ રહ્યા છે. જૂન મહિનામાં ટામેટાના ભાવ 100ને પાર પહોંચી ગયા હતા જ્યારે આગામી દિવસોમાં ટામેટાની કિંમત 200ને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટામેટાના ભાવ વધતા જ અલગ અલગ રીતે લોકો તેમજ વેપારીઓ વિરોધ કરી સરકાર સુધી વાત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે કે ટામેટાના ભાવમાં ઘટાડો કરો. શાકમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા પણ વધતા ટામેટાના ભાવનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વધતા ભાવનો અનોખો વિરોધ કર્યો છે. અમિત ચાવડાએ મુખ્યમંત્રીને બે કિલો ટામેટા ભેટ કર્યા છે. એમેઝોન દ્વારા ઓર્ડર કરી સીએમ સુધી ટામેટા પહોંચાડ્યા હતા.
કોંગ્રેસ દ્વારા અનેક વખત કરવામાં આવ્યો છે મોંઘવારીનો વિરોધ
એક સમય એવો હતો કે વધતા પેટ્રોલ ડિઝલના ભાવ સમાચારોની હેડલાઈન્સમાં રહેતા હતા. આજે પણ આવા સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ તે ટામેટાના ભાવ વધારાના હોય છે. એક સમય એવો હતો કે ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ મળતા ન હતા તેથી તે દુખી હતા, રડતા હતા પરંતુ હવે એકાએક ભાવ વધારાથી ખેડૂતો નહીં પરંતુ મધ્યમ વર્ગનો માણસ રડી રહ્યો છે. ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારો થતાં અનેક લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા અનેક વખત લગાવવામાં આવ્યા છે. ત્યારે ટામેટાના ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીને અમિત ચાવડાએ આપી ટામેટાની ભેટ
થોડા સમય પહેલા કોંગ્રેસે એક ટ્વિટ કરી હતી જેમાં શાકભાજીને બેસ્ટ ગિફ્ટ ઓપ્શન બતાવવામાં આવ્યું હતું. ત્યારે આ વાતનું અમલીકરણ ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કરી બતાવ્યું છે. અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટામેટાની ભેટ આપી છે. ઓનલાઈન પેમેન્ટ કરી મુખ્યમંત્રી સુધી ટામેટા પહોંચાડ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને બે કિલો ટામેટા મોકી આપી, મેં ગૃહિણીઓનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોંઘવારી સામેની તેમની વ્યથાને પ્રતિકાત્મક રૂપે વાચા આપી છે. મહત્વનું છે કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ વિરોધ કરવામાં આવતો હોય છે.