લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ. આવતી કાલે લોકસભા બેઠકની સાથે સાથે પેટા ચૂંટણીનું પરિણામ પણ આવવાનું છે.. 2022માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અદ્ભૂત પ્રદર્શન કર્યું.. 156 સીટો પર ભાજપે જીત હાંસલ કરી.. પરંતુ ભાજપને 156 સીટો પણ ઓછી પડતી હોય તેવું લાગે છે.. ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું એટલે પાંચ બેઠકો પર ફરી એક વખત ચૂંટણી થઈ રહી છે.. વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાતાઓએ ફરી એક વખત મતદાન કર્યું..
કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા જોડાયા ભાજપમાં
ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. અનેક વર્ષોથી ભાજપની સરકાર ગુજરાતમાં છે.. 2022માં વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 156 સીટો મેળવી.. આટલી સીટો મળ્યા બાદ પણ ભાજપને જાણે ઓછું લાગતું હોય તેવું લાગે.. 156 સીટો મળ્યા પછી પણ થોડા સમય પહેલા એક બાદ એક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. ના માત્ર ધારાસભ્યો પરંતુ અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા. 161 બેઠકો કરવાની ભાજપની તૈયારી હોય પરંતુ અનેક વિધાનસભા બેઠકો એવી છે જ્યાં કોંગેસના ઉમેદવાર જીતી શકે છે પેટા ચૂંટણીમાં..
આ બે ઉમેદવારો વચ્ચે થવાની છે કાંટાની ટક્કર
ખંભાતના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. બીજેપીના ઉમેદવાર તરીકે ચિરાગ પટેલને ટિકીટ આપવામાં આવી જ્યારે મહેન્દ્ર સિંહ પરમાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. ચિરાગ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી જીત્યા ત્યારે તે ઓછી સરેરાશથી જીત્યા હતા ત્યારે આ વખતે તે ભાજપ તરફથી ઉમેદવાર છે. રાજીનામું આપતા પહેલા તેઓ કહેતા હતા કે તે રાજીનામું નથી આપી રહ્યા.. પરંતુ તેની થોડી મિનીટો પછી જ તેમણે રાજીનામું આપી દીધું.. જો ભાજપના સંગઠને મહેનત કરી હશે તો ટફ ફાઈટ હોવા છતાંય ભાજપ જીત હાંસલ કરી શકે છે..
જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો પરંતુ નેતા જતા રહ્યા મેવા ખાવા!
તે સિવાય માણાવદર વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભાજપે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને જ ટિકીટ આપી જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હરિભાઈ કણસાગરાને ઉતારવામાં આવ્યા. અરવિંદ લાડાણી આ વખતે ચૂંટણી હારી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.. સેવા કરવા માટે આવેલા નેતાઓ જ્યારે મેવાની પાછળ દોડે ત્યારે જનતા નેતા પર વિશ્વાસ ના કરે તેની નવાઈ નહીં.. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર છે જ્યારે રાજુ ઓડેદરાને ટિકીટ આપવામાં આવી છે.. અર્જુન મોઢવાડિયા સારી લીડથી આ વખતે ચૂંટણી જીતી શકે છે તેવું લાગી રહ્યું છે.
કઈ બેઠક પર કયા ઉમેદવાર ભારે?
વાઘોડિયા પેટા ચૂંટણીની વાત કરીએ તો અપક્ષમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા પરંતુ તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને તેમણે કેસરિયો ધારણ કર્યો. ભાજપે તેમને આ જ વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપી. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત કનુભાઈ ગોહિલને ઉમેદવાર બનાવામાં આવ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત જીતી શકે છે તેવું લાગી રહ્યું છે.. વિજાપુર પેટા ચૂંટણીની વાત કરીએ તો સી.જે.ચાવડાને ભાજપે ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત દિનેશ પટેલને ટિકીટ આપવામાં આવી છે.. સી.જે.ચાવડાની લીડ વધે તે માટે ભાજપના સંગઠને ખૂબ મહેનત કરી છે. સી.જે ચાવડા જીતી શકે છે..
આ તો જનાદેશ છે..
મહત્વનું છે કે આ વખતે પેટા ચૂંટણી માટે થતા મતદાનમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી. મતદાતા પણ વિચાર હોય છે કે આ નેતા પર કેવી રીતે ભરોસો કરાય? જેમને પહેલા મત આપી જીતાડ્યા તેમણે રાજીનામું આપી દીધું.. આ વખતે તે આવું નહીં કરે તેની ગેરંટી કદાચ મતદાતાઓને ના હોય.. આ તો એક અનુમાન છે કે આ બેઠકો પર આ ઉમેદવાર જીતી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે કોણ કઈ બેઠક પરથી જીતે છે.. આખરે આ તો જનાદેશ છે..