થોડા સમય પહેલા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિરૂદ્ધ જો ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાય. પોલીસ દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે. આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, એક જ નંબર ડાયલ કરવાનો અને પોલીસ 10 મિનિટમાં આવી જશે. ગુજરાતનાં બજેટમાં આ મોટું એલાન કરવામાં આવ્યું છે.
એક જ નંબર પર ફોન કરવાથી મળી રહેશે ઈમરજન્સી સુવિધાઓ!
બજેટમાં અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, અનેક જાહેરાતો કરવામાં આવી છે. કરોડો રૂપિયાની ફાળવણી વિવિધ ક્ષેત્ર માટે કરવામાં આવી છે. ત્યારે એક ઈમરજન્સી નંબરની જાહેરાત પણ કરવામાં આવી છે. 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે.
112 નંબર કરવામાં આવ્યો છે જાહેર
જેવી રીતે અમેરિકામાં 911ની સુવિધા છે, તેવી સુવિધા ગુજરાતમાં શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બજેટમાં 112 નંબરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 112 આ એક નંબર પર તમામ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવી જ સુવિધા ગુજરાતમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
પોલીસની ધીમી કામગીરી અનેક વખત દેખાતી હોય છે!
USમાં જે પ્રકારની સિસ્ટમ છે એવી સિસ્ટમ લાગુ કરવાનો ગુજરાત સરકારે પ્રયાસ કર્યો છે પણ હવે જોવાનું એ રહ્યું કે સરકારની વ્યવસ્થાનું પાલન કેટલું થાય છે કારણ કે ઘણી વાર પોલીસની ધીમી કામગીરી પણ દેખાતી હોય છે. 100 નંબર તો ઇમર્જન્સીમાં જનતાએ ડાયલ કર્યો અને વ્યવસ્થા મળી છે. પણ હવે આ નવી વ્યવસ્થા તંત્ર અને જનતા બંને યોગ્ય ઉપયોગ કરે એવી આશા છે.