ગુજરાતમાં જાણે વિવાદનો વંટોળ ચાલી રહ્યો હોય તેવું લાગે છે... ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા...
માફી માગ્યા બાદ પણ શાંત નથી થયો વિવાદ!
થોડા દિવસ પહેલા વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભૂલ ભૂલમાં ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડાં પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ગયા, એક સમાજને સારું લાગવાના ચક્કરમાં બીજો સમાજ નારાજ થયો અને સ્થિતિએ આવીને ઊભી છે કે રાજકોટમાં પણ રાજસ્થાન પેટર્નથી કહેવાય રહ્યું છે કે ભાજપ તુજસે બૈર નહીં પર રૂપાલા તેરી ખૈર નહીં! રૂપાલા માફી પણ માંગી ચૂક્યા છે પણ શકિતસિંહ ગોહિલથી માંડીને અમિત ચાવડા કોંગ્રેસ તરફથી સતત આવતા નિવેદનો અને કરણીસેનાનો રોષ વિવાદને શાંત નથી પડવા દેતો, હવે ભાજપે જયરાજસિંહ જાડેજા ને મેદાને ઉતાર્યા છે.
વિવાદને શાંત કરવા માટે ભાજપે જયરાજસિંહ જાડેજાને ઉતાર્યા મેદાને
ગુજરાતના અનેક રજવાડાઓમાં ભાવનગર અને ગોંડલ જેવા સ્ટેટનું વિશેષ સ્થાન રહ્યુંછે. ટીકા ટિપ્પણી કરતા લોકો મહારાજા ભગવતસિંહજી અને મહારાજ કૃષ્ણકુમારસિંહજીના સમય અને યોગદાનને ઘણી વાર ભૂલી જતા હોય છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે અને પોતાની દબંગ બેબાક છવી માટે જાણીતા છે. જે તે સમયે રીબડા ગ્રુપ સાથેના સંઘર્ષ માટે પણ જાણીતા હતા. હવે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય આગેવાનો જેમાં હકાભાથી માંડીને જયરાજસિંહ જાડેજા નો સમાવેશ થાય છે એ લોકો વિવાદને ખાળવાની કોશિશ કરવાના છે. સંભવત આ વિવાદ હવે આજે ઉકેલાઈ જાય એવું લાગી રહ્યું છે આગળ તો કરણીસેના આ વિષયમાં કઈ બાજુ ઝુકાવ રાખે છે એના પર આધાર રહેશે.