લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે ભાજપ અનેક નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. અનેક સાંસદોના પત્તા કપાઈ શકે છે. 26 લોકસભા બેઠકો પરથી માત્ર બે ત્રણ બેઠકો જ એવી જેના ઉમેદવારના નામ ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. એક બેઠક છે ગાંધીનગરની જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણી લડે છે. તે સિવાય સી.આર.પાટીલનું નામ ઉમેદવાર તરીકે પાક્કુ માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન થયું છે તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોના નામની જાહેરાત થશે.
અનેક નવા ચહેરાને આ વખતે ભાજપ આપી શકે છે તક!
લોકસભા ચૂંટણીને લઈ ગમે ત્યારે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ઉમેદવારોના નામ પર સૌ કોઈની નજર રહેલી છે. ગુજરાત માટે એવું માનવામાં આવી રહ્યું છે કે અનેક સાંસદોના પત્તા કપાઈ શકે છે અને નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે. નાનામાં નાની ચૂંટણી કેમ ના હોય ભાજપ તેની પાછળ ઘણી મહેનત કરતી હોય છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા પહેલા ભાજપ પ્રક્રિયાને ફોલો કરે છે. અલગ અલગ નેતાઓને, પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવતી હોય છે. ત્યારે લોકસભા ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયાનો આરંભ કર્યો છે. સેન્સ પ્રક્રિયામાં એમએલએ, મહામંત્રી ઉપસ્થિત રહેશે.
ગુજરાત માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા...
સેન્સ પ્રક્રિયાને લઈ મળતી માહિતી અનુસાર દરેક લોકસભા બેઠકો માટે હાથ ધરવામાં આવતી સેન્સ પ્રક્રિયામાં કાઉન્સિલર, શહેર સંગઠનના મોરચાના પ્રમુખ અને મહામંત્રી અને ધારાસભ્યો ભાગ લેશે. શહેરના હોદ્દેદારો પણ આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેશે તેવી માહિતી સામે આવી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટ્રીની બેઠક મળશે અને તે બાદ ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટની બેઠક મળશે. ઉમેદવારોને લઈ પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. ઉમેદવારોના નામની જાહેરાત થાય તે પહેલા 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો છે.
કોને ક્યાંની સોંપાઈ જવાબદારી?
મળતી માહિતી અનુસાર વિસ્તારદીઠ નિરીક્ષકોની વાત કરીએ તો રાજકોટમાં સાંસદ મયંક નાયક, કાનાજી ઠાકોર, માલતીબેન મહેશ્વરી, જામનગરની જવાબદારી હિરભાઈ પટેલ, રણછોડ રબારી, રીટાબેન પટેલ સંભાળશે. ભાવનગરની જવાબદારી ઋષિકેશ પટેલ, ઝવેરીભા ઠકરાર, હેમાલીબેન સુરતવાળા, પોરબંદરની જવાબદારી વસુબેન ત્રિવેદી, જુગલજી ઠાકોર અને પંકજ દેસાઈ સંભાળી શકે છે.
એક તરફ ગઠબંધન તો બીજી તરફ સી.આર.પાટીલનો વિશ્વાસ!
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા અનેક વખત નિવદેન આપવામાં આવ્યા છે કે ગુજરાતની 26એ 26 બેઠકો ભાજપના ફાળે જશે. પાંચ લાખ મત્તોથી ઉમેદવારની લીડ થશે તેવી વાત અનેક વખત કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 26માંથી 24 લોકસભા બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે જ્યારે આમ આદમી પાર્ટી બે સીટો પર ઉમેદવાર ઉતારશે. આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની તો ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે.