એક તરફ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે મતદાતાઓએ મતદાન કર્યું હતું, ધારાસભ્યો પણ ચૂંટાયા પરંતુ એકાએક તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. નેતાઓ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી પોતાના પદ પરથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે.. આ બધા વચ્ચે કોંગ્રેસે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસે કર્યા જાહેર
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. એવું લાગતું હતું કે પેટા ચૂંટણી માટે બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે પરંતુ એવું ના થયું. 26 લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
કોને ક્યાંથી કોંગ્રેસે ઉતાર્યા ચૂંટણી મેદાનમાં?
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે માણાવદર માટે હરિભાઈ કણસાગરા, ખંભાત માટે મહેન્દ્રસિંહ પરમારને જ્યારે વાઘોડિયા માટે કનુભાઈ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત ઘણા સમય પહેલેથી કરી દીધી છે. જે પૂર્વ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્યએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી. ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરશે કે કેમ તે અંગેની માહિતી સામે આવી નથી...