દેશમાં વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિરોધ નોંધાવવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ આવતીકાલે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ પાળશે. ગુજરાતની જનતાને સાથે રાખવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વેપારીઓને બંધ પાળવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી. આજે કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ બંધ પાળવા માટે ઘરે-ઘરે અને દુકાનો સુધી પહોંચીને તમામ વેપારીઓ અને લોકોને મળ્યા હતા. તમામ લોકો સાથે મળીને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગુજરાત બંધ પાળવામાં મદદની અપીલ કરી હતી.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કરી હતી બંધ પાળવાની જાહેરાત
રાહુલ ગાંધીના રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે 10 સપ્ટેમ્બરે 'ગુજરાત બંધ'નું એલાન કર્યું હતું. કાર્યકર્તાઓને મોંઘવારી જેવા મુદ્દાઓ સામે વિરોધ નોંધાવવા માટે બંધ પાળવા સૂચના આપી હતી. કોંગ્રેસનાની સભામાં ઉપસ્થિત 50 હજારથી વધુ કાર્યકર્તાઓએ બંધ પાળવા માટે સમર્થન આપ્યું હતું.
5 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજી બુથ લેવલના 50 હજારથી વધુ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સંબોધન બાદ રાહુલ ગાંધીએ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે ગાંધીજીના આશિર્વાદ લીધા હતા.
જમાવટે કોંગ્રેસના કાર્યકર પાસેથી મેળવી માહિતી
કોંગ્રસના કાર્યકર સાથે જમાવટે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "તૈયારીઓ થઈ ગઈ છે. કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાત બંધ મામલે ઉપરથી નજર રાખશે. જ્યારે કાર્યકર્તાઓ બંધ પાળવા માટે જમીન પર ઉતરી લોકોને મનાવશે અને અપીલ કરશે. આજના દિવસે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિક વેપારીઓને મળીને બંધ પાળવાની અપીલ કરી હતી. આવતીકાલે કોંગ્રેસે પ્રજાના અવાજને બુલંદ કરવા માટે અને બહેરી સરકારને જગાડવા માટે ;ગુજરાત બંધ' પાળશે."