ગુજરાત ભાતીગળ સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે, આ રાજ્યમાં અનેક ઐતિહાસિક અને નયનરમ્ય પર્યટન સ્થળો આવેલા છે. સરકાર પણ વિદેશી પર્યટકોને આકર્ષવા માટે કરોડોનો ખર્ચ કરે છે, તેમ છતાં પણ રાજ્યમાં પર્યટકોની સંખ્યા જોઈએ તેટલી વધી શકી નથી. આઘાતજનક બાબત તો એ છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 465 વિદેશી પ્રવાસીઓએ જ રાજ્યની મુલાકાત લીધી છે.
વિવિધ ફેસ્ટિલવનું આયોજન કરાયું
રાજ્યમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને વધુને વધુ વિદેશી પર્યટરો ગુજરાતની મુલાકાતે આવે તે માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો તે અંગે વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય વિધાનસભામાં નાણામંત્રીએ જણાવ્યું કે "છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજ્ય સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવ સહિતના વિવિધ 11 જેટલા નાના-મોટા ઉત્સવો પાછળ રાજ્ય સરકારે રોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે."
ઉત્સવો પાછળ કેટલો ખર્ચ થયો?
રાજ્ય સરકારે વિવિધ ઉત્સવો પાછશ વર્ષ 2021માં કુલ 20.56 કરોડનો અને વર્ષ 2022 માં 36.48 કરોડનો ખર્ચ કર્યો છે. આમ સરકાર છેલ્લા બે વર્ષમાં કુલ 57 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પ્રવાસન વિભાગે 55 કરોડ રૂપિયા માત્ર ડેકોરેશન સહિતની સજાવટ પાછળ કર્યો છે, જ્યારે વાહન પાછળ કુલ 71 લાખનો અને અખબારોમાં જાહેરાત પાછળ 81.72 લાખ ખર્ચ કરવામાં આવ્યા છે. જો કે આટલો ખર્ચ કરવા છતાંય પ્રવાસીની સંખ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓ મહોત્સવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા.