ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 'આપ'નું આગમન ભાજપ કે કોંગ્રેસમાંથી સત્તામાં કોનું પુનરાગમન કરાવશે?


  • Published By :
  • Published Date : 2022-11-20 15:19:21

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ચૂ્ંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. અત્યાર સુધી ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને કૉંગ્રેસ એકબીજા સામે ટકરાઈ રહ્યા છે, પરંતુ પહેલીવાર અહીંની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પણ ત્રીજા પક્ષ તરીકે ચર્ચા છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પંજાબમાં સત્તા હસ્તગત કરી ત્યાર બાદ તેમનો આત્મવિશ્વાસ બુલંદ છે. જો કે રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે, કે પહેલી જ વિધાનસભાની ચૂંટણી આપ બહુમતી સીટો નહીં મેળવી શકે. આમ આદમી પાર્ટી તેની ચૂંટણી ગેરન્ટીમાં વીજળી,પાણી,શિક્ષણ અને આરોગ્ય સહિતની સુવિધાઓ નિશુસ્ક આપવાની જાહેરાત કરી છે. આ કારણે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ છે કે રાજ્યમાં આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસમાંથી કઈ પાર્ટીને સૌથી વધુ ફટકો પડશે.


ભાજપ- કોંગ્રેસથી નિરાશ લોકો માટે વિકલ્પ  


ગુજરાતમાં છેલ્લા ચાર દાયકાથી બે જ પક્ષો ભાજપ અને કોંગ્રેસ જ છે. ભાજપથી નિરાશ લોકો કોંગ્રેસને વોટ આપે તો પણ અંતે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં જતા રહેતા હોવાથી લોકો નિરાશ છે. ગુજરાતમાં કોંગ્રેસ એક સક્ષમ વિરોધ પક્ષ બનવામાં નિષ્ફળ રહ્યો છે. રાજ્યમાં ભાજપની સફળતા કોંગ્રેસની નિષ્ફળતાના કારણે છે. હવે આ વિધાનસભાની ચૂંટણીમાં લોકો જો આપને મત આપે તો પણ હારજ-જીતનું માર્જીન બહું ઓછા મતનું હશે.


આપની ગેરન્ટી યોજના


અરવિંદ કેજરીવાલે તેમની ગેરન્ટીની જાહેરાતો દ્વારા ભાજપની કોર વોટ બેંક મધ્યમ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. મોંઘવારી, મોંઘુ શિક્ષણ અને ઉંચા વિજળીના દર તથા મોંઘો ગેસનો બાટલો આ બધી સમસ્યાથી સૌથી પિડિત મધ્યમ વર્ગ છે. હવે આ સ્થિતીમાં ભાજપને નુકસાન થવાની શક્યતા વધુ છે. ગુજરાતની ચૂંટણી પર નજર રાખી રહેલા પંડિતો પણ આ બાબત સ્વિકારી રહ્યા છે.


કોંગ્રેસની મજબુત વોટબેંક કઈ?


ગુજરાતમાં કોંગ્રેસ પાસે દલિત,આદિવાસી, લઘુમતી અને થોડું પણ મહત્વનું ઓબીસી વોટ બેંકનું સમર્થન છે. રાજ્યમાં દરેક વિધાનસભાની ચૂંટણીમાં આ વોંટબેંક કોંગ્રેસને વફાદાર રહી છે. આ જ કારણે ભાજપના લાખ પ્રયાસો છતાં પણ ગુજરાત ક્યારેય કોંગ્રેસ મુક્ત બન્યું નથી. વર્ષ 2017માં કોંગ્રેસને જબરદસ્ત સફળતા મળી હતી કોંગ્રેસે રાજ્યમાં 77 સીટો જીતી હતી. આ મજબુત વોટબેંકને આપ કે ભાજપ ક્યારેય પોતાની તરફ આકર્ષી શકશે નહીં. રાજ્યમાં દલિતોની સંખ્યા સાત ટકા છે અને તેઓ પરંપરાગત રીતે કૉંગ્રેસના છે. અનુસૂચિત જનજાતિ 14.75 ટકા છે અને તેઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે.  જ્યારે 71 બેઠકો પર ઓબીસીનું વર્ચસ્વ છે.


શહેરી મતદારો પર જ ભાજપની પકડ 


ભાજપ રાજ્યના શહેરી મતદારો પર સારી પકડ ધરાવે છે, જો કે ગ્રામીણ વિધાનસભા બેઠકો પર ભાજપથી લોકો નારાજ છે. રાજ્યમાં શહેરો અને ગ્રામીણ મતવિસ્તારોની સમસ્યાઓ જુદી છે. શહેરી વિસ્તારોમાં ભાજપ હિંદુત્વના નામે ધ્રુવીકરણ કરવામાં સફળ રહેશે પણ ગામડામાં આવી કોઈ શક્યતા નથી. પીએમ નરેન્દ્ર મોદી સહિતના ભાજપના સ્ટાર પ્રચારકો પણ તેમનું  ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો તથા ઉત્તર ગુજરાત ના વિધાનસભાના મતવિસ્તારોમાં સૌથી વધુ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. 


'આપ' કોને ફળશે અને કોને નડશે?


હવે જોવાનું એ છે કે ગુજરાતમાં આપનું આગમન કોને ફળશે અને કોને નડશે.રાજ્યમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના મતદારો વહેંચાઈ જવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપ આદમી પાર્ટીએ મતદારોમાં ભાજપના શાસનને લઈ તીવ્ર અસંતોષ પેદા કર્યો છે. આપના તમામ ઉમેદવારો જીતે તેની કોઈ શક્યતા નથી પણ જો તે 5થી 10 ટકા મત પણ તોડે તો ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારોની હાર-જીત પર અસર કરી શકે છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં NOTAના કારણે અનેક ઉમેદાવારોની આશા પર પાણી ફરી વળ્યું હતું. તો હવે જોવાનું એ છે કે 2022માં  AAP પણ આવી સ્થિતી સર્જશે કે શું.?




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?