ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રાજકીય નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ કાગડોળે રાહ જોઈ રહી છે. આજે ચૂંટણી જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જો કે ચૂંટણી પંચે હાલ માત્ર હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જ જાહેરાત કરી છે. હવે રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજાશે તેને લઈને લોકો અટકળો લગાવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ પોતાનું ગણિત, અનુમાન અને લેખાજોખા રજુ કરવામાં વ્યસ્ત બન્યો છે. આમ રાજ્યમાં હાલ અટકળોનું બજાર ગરમ છે.
2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.
વિધાનસભાની ચૂંટણી ખરેખર ક્યારે યોજાશે?
આજે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બરે ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. હવે જોવાની વાત એ છે કે ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8 ડિસેમ્બરે યોજવાનું છે. તો સવાલ એ થાય કે ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે? એક સામાન્ય અનુમાન એ છે કે આ વખતે જો બે તબક્કામાં મતદાન થશે તો વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંત અને ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં સમાપ્ત થાય તેવું માનવામાં આવે છે.