ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચાર દાયક બાદ પ્રથમ વખત વાસ્તવિક ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના પરંપરાગત જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.બીજી રસપ્રદ બાબત એ પણ છે કે રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચૂંટણીમાં યુવાવર્ગ કઇ તરફ મતદાન કરે છે તેના પર સમગ્ર પરિણામનો આધાર છે.
યુવાનોનો મત નિર્ણાયક
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવા છતા તેમાં ખાસ કરીને યુવાનોને આકર્ષી શકે તેવા કોઇ મુદ્દા સામે આવ્યા નથી અને સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં 4.9 કરોડ મતદારોમાંથી ઓછામાં ઓછા 2.35 કરોડ મતદારો એવા છે કે જે 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરના છે. રાજ્યમાં ચાલુ વર્ષે ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે 18-19 વર્ષના મતદાતા હોય તે 11.74 લાખ છે જ્યારે 30થી 39 વર્ષના 1.21 કરોડ અને 20 થી 29 વર્ષના 1.02 કરોડ મતદારો છે. આમ પ્રથમ વખત સિનિયર સિટીઝનમાં એન્ટ્રી કરવા જતા મતદારો અને યુવા મતદારો વચ્ચેના આ જંગ માની શકાય છે.
ચૂંટણી પંચની મહેનત રંગ લાવી
ચૂંટણી પંચે ખાસ કરીને જે રીતે નવા મતદારોની નોંધણી માટે ઘણી છૂટછાટો સાથે આખરી ઘડી સુધીની ઝુંબેશ ચલાવી તેના કારણે યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. અને રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં વર્તમાન મતદારોમાંથી મોટાભાગના મતદારો એવા છે કે જેણે ફક્ત ભાજપની જ સરકાર જોઇ છે.
2017માં યુવાનો ક્યા વળ્યા હતાં
જો કે સૌથી મહત્વનું એ છે કે ગત ચૂંટણીમાં ભાજપને જ્યારે 99 બેઠક મળી તે સમયે પણ 40 વર્ષ સુધીના મતદારોની સંખ્યા સૌથી વધુ હતી. જો કે તેમ છતાં 2017માં મોટાપાયે ભાજપ વિરોધી મતદાન થયું તેમાં પાટીદાર અનામત આંદોલનનો સૌથી મોટો ફાળો હોવાનું માનવામાં આવે છે પરંતુ તેના કારણે અનામતનો મુદ્દો જે સળગ્યો તે પણ ભાજપની ફેવરમાં ન હતો. આ ચૂંટણીમાં ભાજપ ઘણુ સાવધાનીથી આગળ વધી રહ્યું છે.