ગુજરાત વિધાનસભણી ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાય તેવું મનાઈ રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી હતી. વાઘેલાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપથી બચવુ હોય તો કોંગ્રેસને લાવો તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.
ભાજપ પર કર્યા આકરા પ્રહાર
શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે "જે પાર્ટીને ખભા પર બેસાડી 1995માં સત્તા સ્થાને લઇ ગયા તે અત્યારે ખોટા લોકોના હાથમાં જતી રહી છે. ભાવી પેઢી માટે મોંઘવારી અને બેરોજગારીથી બચવા માટે ભાજપને નિકાળો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ રહેવા દો બીજા કોઇને વચ્ચે ન લાવો. આ લોકો આપદામાં અવસર શોધે છે. તેમણે વધુમાં કહ્યું કે હું ભાજપ અને કોંગ્રેસ બંનેને બંનેને બરાબર જાણુ છુ. જો ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો. હું કોગ્રેસમાં હોઉ કે ન હોઉ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. આ આર્ટીફીશીયલ અને ચીટર લોકો છે લોકોને ઠગે છે. 25 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો હવે ન આપતા."