ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બનવા માટે ભાજપના નેતાઓ પડાપડી કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપનો આંતરિક જૂથવાદ અને નેતાઓમાં ટિકિટ માટેની ખેંચતાણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ભાજપે 2 દિવસથી 182 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ટિકિટ વાંચ્છુ ભાજપ નેતાઓએ પોતાના બાયોડેટા નિરીક્ષકોને આપ્યા હતા અને નિરીક્ષકોએ દાવેદારી માટે તેમની દલીલો સાંભળી હતી.
સૌરાષ્ટ્ર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો
ભાજપે ગઈકાલે 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે એક પણ બેઠક પર સર્વસંમતિ સધાઈ ન હતી ભાજપમાં ટિકીટ વાંચ્છુઓનો રીતસર રાફડો ફાટયો હતો. રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને દેવભુમિ દ્વારકા સહિત 8 જિલ્લામાંથી મળતા અહેવાલો મૂજબ આ જિલ્લાની કુલ 34 બેઠકો માટે 616થી વધુ નેતાઓએ ભાજપની ટિકીટ માંગી છે અને તેમનો બાયોડેટા રજૂ કર્યો છે.ભાજપના વર્તમાન ધારાસભ્યો, મંત્રીઓ, જુના કાર્યકરો, ઉદ્યોગપતિઓ તેમજ ખાસ કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓ સામે ભાજપના જુના જોગીઓએ ટિકીટ પોતાને ટિકીટ મળે તે માટે ભારપૂર્વક દાવો નોંધાવ્યો છે. મંત્રી બ્રિજેશ મેરજા સામે કાંતિ અમૃતિયા મેદાને છે. મંત્રી રાઘવજી પટેલની સામે 17 દાવેદારો છે, તો જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડીયા સામે પણ અનેક નેતાઓએ ખુલ્લી દાવેદારી નોંધાવી છે.