ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપુર્વક સંપન્ન થાય તે માટે પોલીસ એક્સનમાં આવી છે. પોલીસે ચૂંટણી માટે આડખીલીરૂપ અસમાજીક તત્વોની PASA હેઠળ અટકાયત કરી છે. રાજ્ય પોલીસેની અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ 390 લોકોની અટકાયત કરી છે.
PASA અટકાયતીઓમાં 9 મહિલાઓ
પોલીસે મંગળવાર સાંજ સુધીમાં, જેલોમાં PASA હેઠળ 381 પુરૂષો અને નવ મહિલાઓ સહિત 390 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. અટકાયતીઓમાંના એક 40 વર્ષીય અબ્દુલ કાદિર મહેબૂબ સૈયદે તો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે નવસારી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જે હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે. જોકે, ભારતના ચૂંટણી પંચ (ECI)ની વેબસાઈટ અનુસાર, તેમનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું.
કેદીઓના મતદાન માટે ખાસ વ્યવસ્થા
અટકાયતમાં લેવાયેલા આ 390 વ્યક્તિઓના મતદાન માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. સામાન્ય જનતા માટે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડના મતદાન પહેલા એટલે કે આવતા અઠવાડિયે જેલોમાં મતદાન થવાની સંભાવના છે. જો આ અટકાયતીઓ આવતા અઠવાડિયા સુધી જેલના સળિયા પાછળ રહેશે તો તેઓ તેમનો મત જેલમાં જ આપશે.
કેદીઓના મતદાનની પ્રક્રિયા શું છે?
કેદીઓ મતદાન કરી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે પ્રક્રિયા અનુસાર, અટકાયતીઓના નામ તેમના નામ અને મતદારક્ષેત્ર સાથે ECIને મોકલવામાં આવે છે. “ચકાસણી પછી, ECI સીલબંધ પોસ્ટલ બેલેટ જારી કરે છે જે અટકાયતીઓને આપવામાં આવે છે. તેઓ પસંદ કરેલા ઉમેદવારના નામ અને ચિહ્ન પર ટિક કરે છે ત્યારબાદ પરબિડીયું ફરીથી સીલ કરવામાં આવે છે અને રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે, ”એક અધિકારીએ જણાવ્યું હતું. “જ્યારે મતગણતરી શરૂ થાય છે ત્યારે આ મતપત્રો સૌથી પહેલા ગોઠવવામાં આવે છે."