ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષોએ ચૂંટણીના પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે. ત્યારે પહેલા તબક્કાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. હવે ચૂંટણી પંચે જાહેર થયેલા આકડાં પ્રમાણે આ તબક્કામાં કુલ 1,362 ફોર્મ ભરાયા છે. જ્યારે બીજા તબક્કા માટે અત્યાર સુધીમાં 95 ફોર્મ ભરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં ક્યાં યોજાશે ચૂંટણી
રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 સીટ પર ચૂંટણી યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર હતી. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આજથી ફોર્મ ચકાસણીની શરૂઆત કરવામાં આવશે.
મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં
વિધાનસભાની ચૂંટણીમાં બેઠક દીઠ 10થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી,ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત 7 ફોર્મ અપક્ષ ઉમેદવારોએ પણ ભર્યા છે. આ વખતે અપક્ષ ઉમેદવારો પણ મોટા પ્રમાણમાં છે.