દેશના રાજકારણમાં એક મહત્વનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રિય નેતાઓનું પ્રભુત્વ જણાય છે. ગુજરાત રાજ્ય વિધાન સભા ચૂંટણી પહેલા થયેલા CSDS-Lokniti surveyમાં આ બાબત જાણવા મળી છે. લોકનીતિ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (CSDS)એ આ સર્વે કર્યો હતો.
રાજકીય પાર્ટીઓ માટે નેતૃત્વ પરિબળ મહત્વનું
તાજેતરના ભૂતકાળમાં, કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પક્ષોની સફળતા નક્કી કરવામાં નેતૃત્વ પરિબળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિબળ કેટલું નિર્ણાયક હોઈ શકે? હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં માત્ર મુખ્ય પ્રધાનને બદલવાની જ નહીં પરંતુ સમગ્ર કેબિનેટમાં મોટા પાયે ફેરફાર કર્યો હતો તે જોતાં, પક્ષ સંગઠન માટે તેના રાષ્ટ્રીય નેતૃત્વની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ જોઈ હતી તે દર્શાવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) નો ઉદય પણ તેના રાષ્ટ્રીય નેતૃત્વને આભારી છે.
પાર્ટીથી ઉપર ઉઠેલા નેતાઓ મોદી અને કેજરીવાલ
ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી, કેજરીવાલ, મમતા બેનર્જી, અને ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓ તેમની પાર્ટી કરતા મોટા બની ગયા છે. આ નેતાઓ તેમની લોકચાહનાના જોરે એકલા હાથે ચૂંટણી જીતાડવા માટે સમર્થ છે. તેમાં પણ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એવા નેતા બન્યા છે કે તેઓ તેમના રાજ્ય સિવાય પણ અન્ય રાજ્યોમાં લોકપ્રિય બન્યા છે. જેમ કે કેજરીવાલે દિલ્લી અને પંજાબમાં તેમની લોકપ્રિયતાના જોરે પાર્ટીને જીત અપાવી હતી, હવે તે ગુજરાત જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ગુજરાતમાં મોદી અને કેજરીવાલ મુખ્ય ચહેરો
ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા શરૂ થયેલા પ્રચાર અભિયાનમાં આ દ્રશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપ અને આપના સ્થાનિક નેતાઓ કરતા મોદી અને કેજરીવાલની રેલીઓમાં વધુ ભીડ ઉમટે છે, લોકો તેમના ભાષણને સાંભળવા ઉત્સુક રહે છે. ગુજરાત ભાજપના નેતાઓ જેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી તથા આપના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ભીડ એકઠી કરવામાં ઉણા ઉતરી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારની કમાન ભાજપમાં મોદી અને આપમાં કેજરીવાલ પાસે છે.