ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં સૌથી નોંધવા જેવો મુદ્દો એ છે કે રાજ્યની મુળભુત સમસ્યાઓથી ઈતર બાબતોની ચર્ચા વધુ કરવામાં આવી રહી છે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, આવકની અસમાનતા, મોંઘું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, પેપર લિંક કાંડ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, દારૂનું બેફામ વેચાણ, મોરબી દુર્ઘટના,ડ્ર્ગ્સની તસ્કરી, ખરાબ રસ્તાઓ અંગે કોઈ ચર્ચા જ થતી નથી.
લોકોને ગેરમાર્ગે દોરાવાનો પ્રયાસ
રાજ્યમાં ચાલી રહેલા ચૂ્ંટણી પ્રચાર અભિયાન પર એક નજર કરીએ તો સમજાય છે કે લોકોને મૂળ મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના સળગતા પ્રશ્નો અંગે ભાજપ તો સત્તામાં છે એટલે ના બોલે પણ આપ અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રશ્નોને જોરશોરથી ઉઠાવતા નથી. રાજ્યમાં તમામ સરકારી સુવિધાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ભાજપના નેતાઓ તેમના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રિય મુદ્દાઓ પર જેવા કે રામમંદિર, કલમ 370, હિંદુત્વ, જવાહરલાલ નહેરૂ, ગાંધી પરિવાર, પાકિસ્તાન, સરદાર પટેલ પર ભાષણબાજી કરે છે. હવે આ મુદ્દાઓને લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બનાવવામાં આવે ત્યારે ઠીક છે, પણ વિધાનસભાની ચૂંટણી તો સંપુર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે. અમે ઉપર ગણાવેલા તમામ મુદ્દા લોકોને ભાવનાત્મક રીતે સ્પર્શતા હોવાથી તેની અવારનવાર ચર્ચા કરવામાં આવે છે તે સમજી શકાય છે.
શિક્ષણ, બેરોજગારી અને મોંઘવારીની ચર્ચા ક્યારે?
ગુજરાતના અવલોકનકારોનું માનવું છે તે ચૂંટણીમાં શિક્ષણ, બેરોજગારી, આરોગ્યસેવા અને મોંઘવારી જેવા મુદ્દાઓની ચર્ચા જ નથી થતી. ભાજપના નેતાઓએ પણ મુદ્દાવાર ચર્ચા કરવી પડશે તેમજ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે સરકારનાં કામોની માહિતી આપવી પડશે. ભૂતકાળમાં કરાયેલાં કામો માત્ર નહીં પરંતુ હવે ભાજપે કેટલાક અંશે ભવિષ્યમાં આ દિશામાં સરકાર શું કરવા ધારે છે, તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. આ મુદ્દાઓને ચર્ચામાં આગળ લાવવામાં આવે ત્યાર ભાજપ બચાવ મુદ્રામાં આવી જાય છે.