મતદાન કરતી વખતે ગુજરાતની જનતા નહીં ભૂલે આ સળગતી સમસ્યાઓ


  • Published By :
  • Published Date : 2022-11-18 17:20:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બર અને બીજા તબક્કાનું પાંચમી ડિસેમ્બરે યોજાશે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. તમામ રાજકીય પક્ષો લોકોને રિઝવવા માટે બનતા બધા જ પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી છે તેથી સ્વાભાવિક રીતે જ સત્તા વિરોધી માહોલ છે. વિરોધ પક્ષો ભાજપની નિષ્ફળતાઓને ગાઈ-વગાડીને લોકો સમક્ષ રજુ કરી રહ્યા છે ત્યારે ભાજપ આ એન્ટિ ઈન્કમબન્સીને કેટલી ખાળી શકે છે તે જોવાનું છે. ચૂંટણી ટાણે મતદાતાઓને સ્પર્શતી આ સમસ્યાઓ ભાજપ સરકાર વિરૂધ્ધ જઈ શકે છે.


મોંઘવારી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારીથી સમસ્યા એક સળગતો મુદ્દો બની રહેશે. તેલાના ડબ્બાથી માંડીને ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત પણ જીવન જરૂરીયાતની તમામ ચીજો જેવી કે અનાજ-કઠોળ અને શાકભાજીના વધેલા ભાવથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં મોંઘવારીથી સૌથી મોટો ફટકો મધ્યમ વર્ગ અને ગરીબોને પડ્યો છે. મોંઘવારીના કારણે બે છેડા ભેગા કરતા દમ નિકળી જાય તેવી સ્થિતી સર્જાઈ છે.


બેરોજગારી 


રાજ્યમાં બીજ મોટી સમસ્યા શિક્ષિત બેકારોની છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવા છતા પણ બેરોજગારી દરેકને દઝાડતી સમસ્યા છે. સૌથી વધુ ઉદ્યોગો ગુજરાતમાં હોવા છતાં મૂળ ગુજરાતી યુવાનોને કંપનીઓ અને ફેક્ટરીઓમાં નોકરી મળતી નથી. રાજ્યમાં સરકારી ભરતીઓ પણ ઘટી હોવાથી સરકારી નોકરીની ઇચ્છા રાખતા યુવાનો નિરાશ છે. વળી સરકારી ભરતીઓમાં થતી પેપર લીકની ઘટનાએ પણ યુવાનોને ભાજપ સરકારથી વિમુખ બનાવી દીધા છે.


નબળું અને મોંઘુ શિક્ષણ


ગુજરાતની ભાજપ સરકારની સૌથી મોટી અને દુખતી રગ કહીં શકાય તો તે છે શિક્ષણ. આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની શિક્ષણની સમસ્યાને લઈ ભાજપ પર સૌથી વધુ આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં સારૂ શિક્ષણએ મધ્યમવર્ગીય પરિવાર માટે સ્વપ્ન સમાન બની ગયું છે. સરકાર અને ખાનગી શિક્ષણ સંસ્થાઓ વચ્ચેની મિલીભગતના પણ આરોપો થતા રહે છે. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ એટલા મોટા પ્રમાણમાં થયું છે કે 'શિક્ષણમાફિયા' શબ્દ ખુબ પ્રચલિત બન્યો છે. રાજ્યની અનેક શિક્ષણ સંસ્થાઓના માલિકો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ભાજપના નેતાઓ છે. 


ભ્રષ્ટાચાર


સરકારમાં વ્યાપેલા ભ્રષ્ટાચારથી લોકો ખુબ પરેશાન છે. પંચાયતથી માંડીને સચિવાલય સુધી ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. અધિકારીઓ પર પ્રધાનોની પકડ ઢીલી પડી છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું દ્રષ્ટાંત મોરબી દુર્ઘટના છે. નાના કર્મચારીથી આઈએએસ અને આપીએસ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારનો મહેસુલ વિભાગ સૌથી ભ્રષ્ટાચારથી ખદબદે છે. લોકોને નાનામાં નાના કરાવવા માટે પણ અધિકારીઓને લાંચ આપવી પડે છે. આ જ સ્થિતી પોલીસ વિભાગમાં પણ જોવા મળી રહી છે.   


જુની પેન્શન સ્કીમની માગ 


રાજ્યની ભાજપ સરકારને સૌથી મોટો ડર સરકારી કર્મચારીઓની નારાજગીનો છે. ગુજરાત સરકારના લગભગ તમામ વિભાગના કર્મચારીઓ જુની પેન્શન ફરીથી બહાલ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ગાંધીનગરમાં અનેક સરકારી વિભાગના કર્મચારીઓએ આ માગને લઈ ધરણા પ્રદર્શનો કર્યા હતા. શિક્ષકો, વનકર્મીઓ, LRD, VCE, વિદ્યુતકર્મી,   આરોગ્યકર્મી, આંગણવાડી બહેનો સહિતનો સરકારી કર્મીઓનો એક મોટો વર્ગ સરકારથી નારાજ છે. સરકારે જે  તે સમયે અસંતોષની આગને ઠારવાના પ્રયાસો કર્યા હોવાનો દાવો તો કર્યો હતો પણ સરકારી કર્મચારીઓ ચૂંટણીટાણે તેમનો આક્રોશ સરકાર વિરૂધ્ધ મતદાન કરીને આપશે તો નવાઈ નહીં


લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટના


રાજ્યમાં ભાજપ સરકારને ઝટકો આપનારી સૌથી તાજી ઘટના લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટના છે. આ બંને ઘટનાથી લોકોને ભારે આઘાત લાગ્યો છે. મોરબીનો ઝુલતો બ્રિજ તુટવાની ઘટનાથી 135 લોકોના મોત થતા સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હજુ પણ ઓરેવા ગ્રુપના માલિકોની પોલીસે ધરપકડ પણ કરી નથી. તે જ રીતે દારૂબંધી માટે પ્રખ્યાત ગુજરાતના બોટાદમાં થયેલા આ લઠ્ઠાકાંડને કારણે 140થી વધુ લોકોના મોત થયા હતા. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...