ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પરિવારવાદની બોલબાલા છે. ભાજપ હોય કે કોંગ્રેસે ઓછામાં ઓછી 20 સીટો પર હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યઓના પુત્ર, પુત્રી, પત્નિ કે ભાઈને ટિકિટને એક સાથે મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 13 નેતાઓના પુત્રોને તો ભાજપે 7 નેતાઓના પુત્રોને ટિકિટ આપી છે. પરિવારવાદ પર એકબીજાને ભાંડચા કરતા આ બંને રાજકીય પક્ષોની કરણી અને કથની અલગ નથી. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીમાં પરિવારવાદ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનું વલણ અપનાવ્યું છે.
ગુજરાતમાં શા માટે પરિવારવાદ?
કોઈ પણ પક્ષનો નેતા ગમે તેટલી પરિવારની ટીકા કરે પણ તે જ પક્ષનું હાઈકમાન જે તે વિધાનસભા વિસ્તારાના અગ્રણી નેતાના પુત્ર, પત્નિ, ભાઈ કે ભત્રીજાને ટિકિટ આપવા મજબુર છે. તેનું કારણ એ છે કે રાજકીય પક્ષોમાં કેટલાક એવા નેતાઓ છે જે તેમની મનગમતી બેઠકોને પોતાનો વારસો માની લે છે. જોકે આ બેઠકો પર પણ આવા નેતાઓનું વર્ષોથી પ્રભુત્વ અને વર્ચસ્વ હોવાથી બેઠકો પર વધુ અસર જોવા મળે છે તેથી પક્ષો પણ આ નેતાઓનો વિકલ્પ શોધવામાં નિષ્ફળ જતા હોય છે. જો આ વર્ચસ્વ ધરાવતા નેતાઓના સ્થાને અન્યોને ટિકિટ અપાય તો પક્ષોને પણ નુકસાન થઈ શકે છે. આ પ્રકારનું જોખમ લેવા કોઈ પણ પાર્ટી તૈયાર નથી હોતી અને પાર્ટીઓની આ જ મજબુરીનો ફાયદો કહેવાતા બાહુબલી અને કદાવર નેતાઓ ઉઠાવે છે.
મહેન્દ્રસિંહ વાઘેલા
મહેન્દ્રસિંહ વાઘેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસે મેદાનમાં ઉતર્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા બે વખત ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. મહેન્દ્રસિંહ ગત મહિને જ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂકી ટીકીટ પણ આપી છે. આ વખતે મહેન્દ્રસિંહ વાઘેલાએ અરવલ્લીની બાયડ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં રહીને 2012 અને 2017માં ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ 2019માં ભાજપમાં જતા રહ્યા અને ફરી તેઓ ગત મહિને જ કોંગ્રેસમાં આવી ગયા.
ભૂષણ ભટ્ટ
ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને પણ ટિકિટ આપી છે. ભૂષણ ભટ્ટ જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
તુષાર ચૌધરી
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્રએ પણ ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. અમરસિંહના પુત્ર તુષાર ચૌધરી અનુસૂચિત જનજાતિ માટેની ફાળવાયેલી બેઠક બારડોલીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમણે 2004 અને 2009 દરમિયાન માંડવી અને 2009 અને 2014 સુધી બારડોલીમાં સાંસદ રૂપે કામગીરી કરી છે.
જયેશ રાદડિયા
પોરબંદર બેઠક પર ભાજપના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને ભાજપે જેતપુર બેઠકની ટીકીટ આપી છે. જોકે જયેશ રાદડિયાએ 2012ની ચૂંટણીમાં જેતપુર બઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી. જયેશ અને તેમના પિતાએ વર્ષ 2013માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ 2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયાને ભાજપે જેતપુર બેઠકની ટિકિટ આપી છે.
રાજેન્દ્રસિંહ રાઠવા
છોટા ઉદેપુર બેઠક માટે ભાજપે મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી છે. મોહનસિંહ રાઠવા આદિવાસી નેતા અને 10 વાર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે અને ગત વર્ષે જ તેઓ ભાજપમાં જોડાયા હતા.
સંગ્રામસિંહ રાઠવા
છોટા ઉદેપુર બેઠક પર કોંગ્રેસે પણ સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ આપી છે. સંગ્રામસિંહ પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણ રાઠવાના પુત્ર છે.
કલ્પના ધારિયા
ચોટીલાની સીટ પરથી સાત વખતના ધારાસભ્ય કરમસિંહ મકવાણાની પુત્રી કલ્પના ધારિયા પણ છે. કરમસિંહ કોંગ્રેસ અને જનતા દળ તેમજ અપક્ષો સાથે ચૂંટણી જીત્યા છે. કલ્પનાને લીંબડીથી કોંગ્રેસની ટિકિટ મળી છે.
કનુ મકવાણા
અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે હાલના ધારાસભ્ય કનુ મકવાણાને ટિકિટ આપી છે. કનુ મકવાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરમસિંહ મકવાણાના પુત્ર છે. જોકે કરમસિંહ મકવાણા 2017માં જ ભાજપમાં સામેલ થયા હતા.
યોગેન્દ્ર પરમાર
ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પર ભાજપે યોગેન્દ્ર પરમારને ઉમેદવાર બનાવ્યા છે. યોગેન્દ્ર કોંગ્રેસમાં રહીને બે વાર ધારાસભ્ય બનેલા રામસિંહ પરમારના પુત્ર છે. રામસિંહ પરમારે 2017માં પક્ષ છોડ્યો તે પહેલા 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી જોકે તેઓ 2017માં તેઓ ભાજપ સામે હારી ગયા હતા.
શૈલેષ પરમાર
અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસે શૈલેષ પરમારને ટિકિટ આપી છે. શૈલેષ પરમાર પૂર્વ ધારાસભ્ય મનુભાઈ પરમારના પુત્ર છે. આગામી ચૂંટણી માટે કોંગ્રેસે ફરી શૈલેષ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે.
સંજય રબારી
ડીસા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે. તેમના પિતા આ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
પ્રવિણ માળી
ડીસા બેઠક પરથી ભાજપે પ્રવિણ માળીને ઉમેદવાર બનાવ્યા છે તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ગોવર્ધનજી માળી પણ ગુજરાતમાં ભાજપ સરકારમાં મંત્રી હતા.
કાંધલ જાડેજા
કુતિયાણા વિધાનસભા બેઠક પરથી 'ગોડમધર' તરીકે જાણીતા પૂર્વ ધારાસભ્ય સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાને સપાએ ટિકિટ આપી છે.
ગીતાબા જાડેજા
રાજ્યમાં વિકસતા ભાઈ-ભત્રીજાવાદ વિશેની બીજી રસપ્રદ વિશેષતા એ છે કે જીવનસાથીઓ પણ એકબીજા માટે માર્ગ બનાવી રહ્યા છે. ગોંડલ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે. તેમને હત્યાના કેસમાં ફસાવવામાં આવ્યા હોવાથી પાર્ટીએ 2017માં તેમની પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા અને આ વખતે પણ તેનું પુનરાવર્તન કર્યું છે.
સેજલબેન પંડ્યા
ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપે સેજલબેન પંડ્યાને મેદાનમાં ઉતાર્યા છે, જેમના પતિ રાજીવ પંડ્યા ભાવનગર શહેર ભાજપ પ્રમુખ છે.
જવાહર ચાવડા
વર્ષ 2019માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જવાહર ચાવડા માણાવદર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમના પિતા પેથલજી ચાવડા પ્રદેશમાં ખાણકામ ક્ષેત્રે સંકળાયેલા હાવ ઉપરાંત વિસ્તારમાં જાણીતા રાજકીય વ્યક્તિ હતા.