ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો તમામ 182 બેઠકો પર સેન્સ લઈ રહ્યા છે. જો કે આ સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપની મુશ્કેલી વધી છે. સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપનો આતરિક કલહ સપાટી પર આવ્યો છે. ભાજપની આ સેન્સ પ્રક્રિયા ખરેખર તો નોનસેન્સ સાબિત થઈ રહી છે.
મોરબીની માળીયા વિધાનસભા બેઠકને લઈ આંતરકલહ
આજે મોરબીની માળીયા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથમાં લેવાઈ છે ત્યારે કાર્યાલય પર દાવેદારો અને તેમના સમર્થકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા. અહીં હાલની સ્થિતિએ માળીયા બેઠક ઉપર 15 ભાજપ અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે.
ભાજપના આ 15 ટિકિટવાંચ્છુંઓ કોણ છે?
મોરબીમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ આપવી તે માટે ઉમેદવારોની શોધ શરૂ કરવામાં આવશે. મોરબીની માળીયા બેઠક માટે મૂરતિયાઓ તેમના સમર્થકો સાથે કાર્યાલય પર પહોંચી ગયા હતા. ટેકેદારોની હાજરી ટોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. અહીં ટિકિટ માટે દાવેદારી નોંધાવનારાઓમાં મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક અગ્રણી મુકેશ કુંડારિયા, મુકેશ ઉધરેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, જિજ્ઞેશ કૈલા સહિત 15 દાવેદારોનો સમાવેશ થાય છે.