ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. કોંગ્રેસ,ભાજપ અને આપના નેતાઓ તેમની રાજકીય વિધાનસભાની ટિકિટ, હોદ્દો, અને પૈસા સહિતની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જો કે આ રાજરમતમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. કોંગ્રેસનાં અન્ય એક અગ્રણી નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી હતી જે આજે સાચી પડી છે.
ભગા બારડ ભાજપમાં જોડાયા
સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપની ટિકિટથી તલાલાથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
ભાજપે શા માટે ભગાભાઈનો ખેલ પાડ્યો?
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 સીટમાં સમેટાઈ ગયેલી ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતી નથી. તે કોંગ્રેસના સ્થાનિક પણ મજબુત જનાધાર ધરાવતા ધારાસભ્યોને આકર્ષી સૌરાષ્ટ્ર અને આદીવાસી પટ્ટામાં તેની સ્થિતી મજબુત કરવા માંગે છે. ભાજપના આ ઓપરેશનના ભાગરૂપે આદિવાસી બાદ સૌરાષ્ટ્રની આહિર નેતાઓને ભાજપમાં ખેંચવામાં આવી રહ્યા છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.