ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. તેમાં પણ સૌથી સમય સુધી નરેન્દ્ર મોદીની એકચક્રી સત્તા રહી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપે સૌથી વધુ 127 સીટો 2002ની વિધાનસભાની ચૂંટણીમાં જીતી હતી. જો કે ત્યારબાદ તમામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટી છે. રસપ્રદ બાબત તે પણ છે કે મોદી લહેરમાં પણ ભાજપ રાજ્યની એવી 8 બેઠકો છે જે આજદિન સુધી જીતી શકી નથી.
રાજ્ય 8 સીટો કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો
ભાજપ ગુજરાતની આ 8 વિધાનસભા સીટો લાખ પ્રયત્નો છતાં જીતી શકી નથી, આ બેઠકોમાં બોરસદ, ઝઘડિયા, વ્યારા, ભિલોડા (1995 સિવાય), મહુધા, આંકલાવ, દાણીલીમડા અને ગરબાડાનો સમાવેશ થાય છે.
શા માટે ભાજપની હાર થઈ ?
ભાજપે જે બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો, તે તમામ બેઠકો પર આદિવાસીનું વર્ચસ્વ વધુ છે. જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. આ ગુજરાતના 27 મતવિસ્તારોનો ભાગ છે, જેમાં આદિવાસીનો નોંધપાત્ર પ્રભાવ છે, જે 14 પૂર્વીય જિલ્લાઓમાં વિસ્તારિત છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી 2017માં પણ ભાજપને માત્ર આઠ આદિવાસી બેઠકો મળી હતી, તો કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. આદિવાસીઓમાં ભાજપની હિંદુત્વની રાજનીતિ બહુ અસરકારક રહી નથી.