દરેક વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટણી સમીક્ષકો દરેક પાર્ટીને મળેલા વોટ શેર અને NOTAને મળેલા મત અંગે ચોક્કસ ચર્ચા કરે છે. આ વખતે ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, ભાજપે 156 બેઠકો જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપનો વોટશેર પણ 50 ટકાથી પણ વધુ છે. જો કે નિષ્ણાતોના કહેવા પ્રમાણે નોટાના કારણે ભાજપને આ વખતે સૌથી વધુ નુકસાન થયું છે.
ભાજપને NOTAથી ફટકો
EVM મશીનમાં રહેલું NOTA (None of the Above)નું બટન ખુબ મહત્વનું છે. જો કે રાજકીય પક્ષોના નેતાઓને તેનાથી ઘણી વખત નુકસાન થતું હોય છે. નોટાના કારણે નેતાઓની જીત, હારમાં ફેરવાઈ જતી હોય છે. જેમ કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ઉમેદવારોની જીત હારમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ ઉમેદવારોમાં ખેડબ્રહ્મા સીટથી ભાજપના ઉમેદવાર અશ્લિન કોટવાલ, સોમનાથથી મોહન સિંહ પરમાર, ચાણસ્માથી દિલીપ ઠોકોર, અને દસાડાથી પી કે પરમારનો સમાવેશ થાય છે. ભાજપના ચારેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ છે, એટલે કે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે તેનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના આ મત ભાજપની તરફેણમાં પડ્યા હોત તો ભાજપના ઉમેદવારો સરળતાથી ચૂંટણી જીતી ગયા હોત અને ભાજપે પણ 156ને બદલે 160 સીટ જીતવાનો રેકોર્ડ બન્યો હોત.