ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બજેટ સત્રની માહિતી આપતા કહ્યું કે, 25 દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે, જ્યારે બજેટ પર ચર્ચા અને મતદાન માટે 16 બેઠકો યોજાશે. સરકારી કામકાજ માટે પાંચ બેઠકો મળશે. બજેટ સત્રમાં રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે સંબોધન
વિધાનસભાના આ બજેટ સત્રના પ્રારંભે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ત્યાર બાદવિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે.
નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરશે
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે. આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાણાંપ્રધાન તરીકે ફરીથી કનુભાઈ દેસાઈએ જવાબદારી સંભાળી છે. કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલની પહેલી નાણાપ્રધાન તરીકે નાણાકીય વર્ષ 2022-23 નું બજેટ રજૂ કર્યું હતું. તેઓ આ વખતે હવે ફરીથી એટલે કે બીજી વખત બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઇ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે.