છેલ્લા ઘણા વર્ષોથી જેની માગ થઈ રહી હતી તે માંગણી સરકારે આખરે પરીપૂર્ણ કરી છે. ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ ટ્યુબ ચેનલની શરૂઆત કરાવી છે. ગુજરાત વિધાનસભાએ લોકોનાં પ્રશ્નોની રજુઆત માટેનું સત્તાવાર સ્થાન છે. ગુજરાત વિધાનસભામાં થતી પ્રશ્નોત્તરી, પસાર થતા ખરડા, બાબતોની કાર્યપ્રણાલીનીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે.
લાંબા સમયથી થઈ રહી હતી માગ
વિધાનસભાની આ YouTube ચેનલની જાગૃત નાગરિકો દ્વારા ઘણા લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. આ ચેનલના માધ્યમ થકી વિધાનસભામાં તમામ ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચા વગેરે તેમાં દર્શાવાશે. વિધાનસભાએ પોતાની વેબસાઈટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભના દસ્તાવેજો નિયમિત મુકાશે, વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વિડીયો ક્લિપ્સ પણ અપલોડ કરવામાં આવશે.યુ-ટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનોને યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં નહીં આવે.
જીવંત પ્રસારણ નહીં થાય
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ કરવાની રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે હાલ જીવંત પ્રસારણ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ હવે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ ગૃહમાં આપેલ નિવેદન સોશિયલ મીડિયા પર જોઈ શકાશે.ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વિડીયો ક્લીપમાં હશે. વિધાનસભાની આ YouTube ચેનલની લિંકઃhttps://www.youtube.com/channel/UC7dYsKJCzVvzExj6jThVp6A છે.