ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં વધી રહેલા ભ્રષ્ટાચારને લઈ ગુજરાત ACB એક્શનમાં આવી છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ સામે અપ્રમાણસર સંપત્તીની ફરિયાદો આવતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ તપાસ શરૂ કરી હતી. આ તપાસના ભાગરૂપે ACBએ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા સામે ગુનો દાલખ કરી તેમની વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્થિત જુના સચિવાલયમાં ફરજ બજાવતા સુનીલકુમાર વસાવા પાસે રૂ. 88,84,982ની અપ્રમાણસર સંપત્તી હોવાનું સામે આવ્યું છે.
પાટડીમાં હતા પ્રાંત અધિકારી
રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર સુનીલકુમાર ચતુરભાઈ વસાવા આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વર્ગ-1 નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત ACBએ પગાર કરતા વધુ આવકના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરતા સુનિલ કુમાર વસાવાની બેનામી સંપત્તીની જાણકારી મળી હતી. સુનિલ કુમાર વસાવાએ આટલી મોટી સંપત્તી કઈ રીતે ભેગી કરી તે તો પૂછપરછ બાદ જ જાણી શકાશે.
અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ
ઉલ્લેખનિય છે કે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના કિસ્સામાં સામાન્ય રીતે કોઈની ફરિયાદ આવે, ત્યારે છટકું ગોઠવીને એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર અંગેના ગુન્હાઓ નોંધાતા હોય છે, પરંતુ હવે પૂરતી તપાસ કરીને આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા સરકારી બાબુઓ સામે કાર્યવાહી શરૃ થતાં ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ આ પ્રકારે અનેક વિભાગોના સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારનો ગુન્હો નોંધ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.